ટોમ હોલેન્ડ સાથે સગાઈની અફવાથી ઝેન્ડયા ભારે નારાજ
- બંને વર્ષોથી રિલેશનશિપમાં છે
- મેં ટોપી બતાવવા ફોટો પોસ્ટ કર્યો પરંતુ લોકોએ માત્ર રિંગની નોંધ લીધી તેમ કહી અફવા નકારી કાઢી
મુંબઈ : હોલીવૂડની લોકપ્રિય જોડી ટોમ હોલેન્ડ તથા ઝેન્ડયાએ સગાઈ કરી લીધી હોવાની અફવા તાજેતરમાં ઝેન્ડયાની એક તસવીરના આધારે ફેલાઈ હતી. જોકે, ઝેન્ડયા આ અફવાને કારણે ભારે નારાજ થઈ છે.
ઝેન્ડયાએ પોસ્ટ કરેલી તસવીરમાં તેની આંગળી પરની રિંગ જોઈને લોકોએ ધારણા બાંધી લીધી હતી કે આખરે તેણે ટોમ હોલેન્ડ સાથે ઔપચારિક રીતે સગાઈ કરી લીધી છે. ઝેન્ડયા અને ટોમ હોલેન્ડ કેટલાંય વર્ષોથી રિલેશનશિપમાં છે અને તેમની સગાઈની અફવા આ પહેલાં પણ ફેલાઈ ચુકી છે. આ અગાઉ એકવાર તો ઝેન્ડયા પ્રેગનન્ટ હોવાની અફવા પણ ફેલાઈ હતી.
આ વખતે ઝેન્ડયા અફવા ફેલાવનારાઓ પર ભારે વરસી હતી. તેણે નારાજગીનો સૂર ઉચ્ચારતાં કહ્યું હતું કે મેં મારી ટોપી પર લોકોનું ધ્યાન જાય એટલા માટે એ ફોટો પોસ્ટ કર્યો હતો પરંતુ લોકોએ માત્ર આંગળી પરની રિંગની જ નોંધ લીધી છે. આટલા મોટા સમાચાર હું કાંઈ આવી રીતે પ્રગટ નહીં કરું.
ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા બંને ૨૭ વર્ષનાં છે. તેઓ અનેક જાહેર ઈવેન્ટસ તથા વેકેશનમાં પણ સાથે સાથે દેખાતાં હોય છે. તેઓ ક્યારે લગ્નની જાહેરાત કરે છે તેની ચાહકો પ્રતીક્ષા કરી રહ્યા છે.