Chahal Dhanashree Divorce: ચહલ-ધનશ્રીના સંબંધનો 4 વર્ષે અંત, કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા
Yuzvendra Chahal-Dhanashree Verma Divorce: ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રીના છૂટાછેડા થઈ ગયા છે. લગભગ અઢી વર્ષથી એકબીજાથી દૂર રહ્યા બાદ અંતે બંનેએ પોતના રસ્તા અલગ કરી દીધા છે. છેલ્લાં ઘણાં સમયથી બંનેના છૂટાછેડાની અફવાઓ ચાલી રહી હતી, ત્યારબાદ બાન્દ્રાની એક ફેમિલી કોર્ટમાં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. હવે ગુરૂવારે (20 માર્ચ) ફેમિલિ કોર્ટે બંનેના છૂટાછેડાની અપીલ મંજૂર કરી દીધી છે. આ સાથે બંનેના લગ્ન 4 વર્ષ અને 3 મહિનાની અંદર જ તૂટી ગયાં.
4 વર્ષ પહેલાં થયા હતા લગ્ન
ચહલ અને ધનશ્રીના લગ્ન 24 ડિસેમ્બર 2020માં થયા હતાં. જોકે, ત્રણ-ચાર મહિના પહેલાં જ બંનેના સંબંધમાં ખટાશ આવવાનું શરૂ થઈ ગયું હતું. બાદમાં બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા હતાં. ત્યારથી જ અફવાઓ ઉડવાનું શરૂ કરી થઈ ગયું હતું પરંતુ, ગત મહિને છૂટાછેડાની કાર્યવાહી શરૂ થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. બંનેએ બાન્દ્રા ફેમિલિ કોર્ટમાં આ માટે અપીલ કરી હતી. બંનેએ સાથે 6 મહિનાના કૂલિંગ-ઑફ પીરિયડની પણ છૂટ માંગી હતી, જેને કોર્ટે નકારી દીધી હતી.
ધનશ્રીને 4.75 કરોડ આપશે ચહલ
બાદમાં ક્રિકેટરે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને કોર્ટે બુધવારે 19 માર્ચના દિવસે નિર્ણય સંભળાવતા ફેમિલી કોર્ટને 20 માર્ચ સુધીમાં કેસ પતાવવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે બંનેને કૂલિંગ-ઑફ પીરિયડમાંથી છૂટ આપી હતી. કારણ કે, તેમણે જણાવ્યું હતું કે, ગત અઢી વર્ષથી બંને અલગ રહીએછીએ. આ છૂટાછેડાની બદલે ભરણપોષણના રૂપે ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવાની સંમતિ દર્શાવી હતી, જેનો 50 ટકા ભાગ ક્રિકેટરે આપી દીધો છે અને બાકીનો ભાગ ધનશ્રીને હવે મળશે.