યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી વિવાદમાં સપડાયો, વિશ્વનાથ મંદિરના રેડ ઝોનમાં ફોટો પડાવતાં FIR

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી વિવાદમાં સપડાયો, વિશ્વનાથ મંદિરના રેડ ઝોનમાં ફોટો પડાવતાં FIR 1 - image


Image: Facebook

Elvish Yadav Again in Controversy: યુટ્યૂબર અને બિગ બોસ ઓટીટી 2 ના વિનર એલ્વિશ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. તે પહેલેથી કોબ્રા કાંડમાં ફસાયેલો છે. આ કેસ અંતર્ગત પૂછપરછ પણ ચાલી રહી છે. આ મામલો ખતમ પણ થયો નથી કે એલ્વિશ વધુ એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેના વિરુદ્ધ વારાણસીમાં ફરિયાદ નોંધાઈ છે. 

તસવીર મુદ્દે વિવાદ

શુક્રવાર 26 જુલાઈએ તેણે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિબંધ વિસ્તારમાં ફોટો પડાવ્યો જ્યારે તે સ્થળે ફોટોગ્રાફીની પરવાનગી નથી. જ્યારે સોશિયલ મીડિયા પર એલ્વિશ યાદવની તસવીર સામે આવી તરત જ તેની ફરિયાદ કરવા માટે જિલ્લા મુખ્યાલય પર પોલીસ અધિકારીની ઓફિસમાં ફરિયાદકર્તા પહોંચી ગયા. વકીલ ફરિયાદકર્તાઓએ આ અંગે પોલીસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે. તે બાદ પોલીસે તપાસનું આશ્વાસન પણ આપ્યુ છે. કેસની તપાસ ડીસીપીને સોંપી દેવાઈ છે.

વારાણસી ફરવા નીકળેલા એલ્વિશે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યાં પરંતુ આ દરમિયાન સુવર્ણ શિખરની પાસે તેણે ફોટો પડાવીને એક નવી મુશ્કેલી ઊભી કરી દીધી. જ્યારે તેની તસવીર બાબા કાશી વિશ્વનાથના સુવર્ણ શિખરની સાથે વાયરલ થઈ અને અમુક લોકોએ હોબાળો મચાવી દીધો કેમ કે આ વિસ્તાર પ્રતિબંધિત રેડ ઝોન છે અને ત્યાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. એલ્વિશની આ હરકત સામે વારાણસી જિલ્લા મુખ્યાલય પર સ્થિત સંયુક્ત પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને ક્રાઈમ ઓફિસ પહોંચીને વકીલોએ  આ અંગે ફરિયાદ કરી.

વકીલના એલ્વિશ પર આરોપ

ફરિયાદકર્તા વકીલ પ્રતીક સિંહે જણાવ્યું કે એલ્વિશ યાદવ એક ગુનાહિત પ્રવૃત્તિઓની વ્યક્તિ છે. તેણે કેવી રીતે બાબા કાશી વિશ્વનાથના પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચીને ફોટો પડાવ્યો. આ મામલાની તપાસ થવી જોઈએ અને જેમણે ફોટો પાડ્યો છે તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ. કેમ કે જે સ્થળ પર ફોટો પાડવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે પ્રતિબંધિત છે જ્યાં એક પેન પણ લઈ જઈ શકાતી નથી ત્યાં આખરે ફોટોગ્રાફી કેવી રીતે થઈ શકે છે.

આ મામલે વારાણસીના પોલીસ હેડ ક્વાર્ટર અને ક્રાઈમના જોઈન્ટ કમિશનર ડો કે. એજીલર્સને જણાવ્યું કે અમુક લોકોની તરફથી સમગ્ર મામલાની ફરિયાદ મળી છે. જે બાદ જ્ઞાનવાપી સુરક્ષા DCPને આની તપાસ સોંપવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચનાર વીઆઈપી લોકોની થઈ રહેલી ફોટોગ્રાફી પર સંયુક્ત પોલીસ કમિશનર વારાણસીએ કહ્યું કે એવા આરોપ ના લગાવો ચારે તરફ કડક સુરક્ષાની વ્યવસ્થા છે.


Google NewsGoogle News