યશ અને કિયારા અડવાણીની ટોક્સિકના શૂટિંગમાં વિલંબ
- બજેટના પ્રશ્નો ઊભા થયા હોવાની અટકળો
મુંબઇ : યશ અને કિયારા અડવાણીની ફિલ્મ 'ટોક્સિક'નાં મુંબઈના શિડયૂલમાં વિલંબ થતાં અનેક અટકળો સર્જાઈ છે. ફિલ્મમાં બજેટના પ્રશ્નો ઊભા થયા હોવાનું સાઉથના વર્તુળોમાં ચર્ચાય છે. જોકે, ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળો આ અફવાઓને નકારી રહ્યાં છે.
'ટોક્સિક'માં કિયારા યશની હિરોઈન છે. જ્યારે નયનતારા પણ મહત્વના રોલમાં છે. નયનતારાનો રોલ અગાઉ કરીના કપૂરને ઓફર થયો હતો પરંતુ છેલ્લી ઘડીએ તેનું પત્તું કપાઈ ગયું હતું.
સાઉથના વર્તુળોમાં ચર્ચા અનુસાર ફિલ્મનાં શૂટિંગના બે શિડયૂલ બેંગ્લુરુમાં પૂર્ણ થઈ ચૂક્યાં છે. હવે મુંબઈમાં મહત્વનું શૂટિંગ બાકી છે. પરંતુ, તેમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થઈ રહ્યો છે. એક અફવા અનુસાર ફિલ્મનું બજેટ વધારે પડતું વધી ગયું છે. તેના કારણે ફિલ્મના શૂટિંગ બાબતે કેટલાક ફેરફારો થઈ રહ્યા છે. એક તબક્કે તો આ ફિલ્મ કેટલાક મહિના માટે પાછી ઠેલાઈ રહી હોવાની પણ અફવા પ્રસરી હતી. જોકે, ફિલ્મ સાથે સંકળાયેલા વર્તુળોએ કહ્યું હતું કે આ બધી અફવામાં કોઈ દમ નથી. ચાલુ ઓક્ટોબર માસના અંતથી મુંબઈમાં શિડયૂલ શરુ કરવાનું પ્લાનિંગ છે. કિયારાનાં દ્રશ્યોનું શૂટિંગ મુંબઈમાં થવાનું છે. ટીમના દાવા અનુસાર ફિલ્મની સ્ક્રિપ્ટમાં કેટલાક છેલ્લી ઘડીના ફેરફાર થયા હોવાથી શૂટિંગ ધાર્યા શિડયૂલ પ્રમાણે શરુ કરવામાં વિલંબ થયો હતો.