પોતાના વીડિયો પર રશ્મિકાનો ચેહરો જોઈને ચોંકી ગઈ ઝારા પટેલ, DeepFake વીડિયો પર જાહેર કર્યું નિવેદન
નવી મુંબઇ,તા. 7 નવેમ્બર 2023, મંગળવાર
બોલિવૂડ અને સાઉથની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદન્નાનો એક ફેક બોલ્ડ વીડિયો વાયરલ થયો હતો, જેના પછી દરેક જગ્યાએ હોબાળો મચી ગયો હતો. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોએ બધાને રાતોની ઊંઘ હરામ કરી દીધી હતી.
આ મામલાની ગંભીરતાને લઇને એકટ્રેસ રશ્મિકા મંદાનાએ પોતાનું મૌન તોડ્યું અને આ મામલે ફરિયાદ પણ નોંધાવી. આ ઘટનાને લઇને હવે એક અપડેટ સામે આવી રહી છે. જે છોકરીના ફેસ પર અભિનેત્રીનો ચહેરો ફીટ કરવામાં આવ્યો હતો તે પણ હેડલાઇન્સમાં છે. આ યુવતીનું નામ ઝારા પટેલ છે જેણે હવે આ વીડિયોને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઝારા પટેલનું રિએક્શન પોતાનું મૌન તોડતા તેણે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઝારાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતાં લખ્યુ કે, 'બધાને નમસ્કાર, મારા ધ્યાન પર આવ્યું છે કે કોઈએ મારા ફેસ પર લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રીના ચહેરાનો ઉપયોગ કરીને ડીપ ફેક વીડિયો બનાવ્યો છે. ડીપફેક વિડિયો સાથે મારે કોઈ લેવાદેવા નથી અને જે થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ જ વ્યથિત અને દુઃખી છું.’
તેણે પોતાની નોટમાં આગળ લખ્યું, 'હું તે મહિલાઓ અને છોકરીઓના ભવિષ્ય વિશે ચિંતિત છું જેઓ હવે પોતાને સોશિયલ મીડિયા પર મૂકવાથી વધુ ડરે છે. ઇન્ટરનેટ પરની દરેક વસ્તુ વાસ્તવિક નથી. જે થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ જ પરેશાન છું.’ આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઝારા પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, તેણે આ વીડિયો સાથે છેડછાડ કરી નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, ઝારા પટેલના શરીર પર રશ્મિકા મંદાનાનો ચહેરો મુકનાર વ્યક્તિ કોણ છે?
આ ઘટનાને લઇને ગઈ કાલે રશ્મિકાના આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા પહેલા અમિતાભ બચ્ચને પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી હતી અને અભિનેત્રીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તે જ સમયે, રશ્મિકા પછી, બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફના ફોટા સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. 'ટાઈગર 3'માંથી તેનો ટુવાલ ફાઈટ ફોટો હવે ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અશ્લીલ બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો આ ફોટા પર કેટરિનાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.