હૈદરાબાદમાં પુષ્પા ટૂના પ્રિમિયરમાં ધક્કામૂક્કી : મહિલાનું મોત
- અલ્લુ અર્જુનને નિહાળવા ભીડ બેકાબૂ બની
- મહિલાના પુત્રને ગંભીર ઈજા, ટોળાં વિખેરવા લાઠીચાર્જ: થિયેટરનો દરવાજો તૂટી પડયો
મુંબઇ : હૈદરાબાદમાં બુધવારે રાતે 'પુષ્પા ટૂ'ના પ્રિમિયર વખતે ભાગદોડ થતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે તેના ૧૨ વર્ષના પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી.
ફિલ્મનો મુખ્ય કલાકાર અલ્લુ અર્જુન થિયેટર પર આવ્યો હતો. તેણે પોતાની કારના સનરુફમાંથી પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. તેને નિહાળવા માટે ભીડ બેકાબૂ બની હતી. આ વખતે ભાગદોડ થઈ હતી.
અલ્લુ અર્જુનના ચાહકોએ ધક્કામુક્કી કરી હતી. ભારી ભીડના કારણે લોકોને ગુંગળામણ થવા લાગી હતી તેમજ ભાગદોડ મચી ગઇ હતી. તેમાં ઘણા લોકો ઇજા પામ્યા હતા. હૈદરાબાદના દિલસુખનગરમાં રહેતી રેવતી તેના પતિ ભાસ્કર અને બે બાળકો સાથે ફિલ્મ જોવા આવી હતી. આ ભાગદોડમાં તે નીચે પડી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. પોલીસે તેને સીપીઆર આપી બચાવવાની કોશીશ કરી હતી પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેનો પુત્ર ગંભીર રીતે ઘવાતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. થિયેટરનો મુખ્ય દરવાજો ભીડના ધક્કાને કારણે તૂટી પડયો હતો.
દરમિયાન, 'પુષ્પા ટૂ'ની ટીમે સમગ્ર બનાવ અંગે દુ:ખ વ્યક્ત કરી પરિવારને સાંત્વના પાઠવી હતી. ફિલ્મના એક નિર્માતા હોસ્પિટલમાં સંતપ્ત પરિવારને મળવા પહોંચ્યા હતા અને તેમને નાણાંકીય સહાયની ઓફર પણ આપી હતી.