શુ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ફિલ્મમાં ભાગેડુ વિજય માલ્યાનુ પાત્ર નિભાવશે ?
- કાર્તિક પાસે આ ફિલ્મ માટે ખૂબ જ ગ્રાંડ વિઝન છે અને તે આમાં વિજય માલ્યાના પાત્રને ખૂબ જ જીવંત અને મજબૂત બનાવવા માંગે છે
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2022, મંગળવાર
'ગેંગ્સ ઓફ વાસેપુર', 'રમન રાઘવ' અને 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ઘણી ફિલ્મોમાં એક્ટર તરીકે પણ પોતાનો જલવો દેખાડ્યો છે. અનુરાગ કશ્યપ 'અકિરા', 'ધૂમકેતુ' અને 'મુક્કાબાઝ' જેવી ઘણી ફિલ્મોમાં અભિનેતા તરીકે દેખાયો છે અને તેમાં કોઈ શંકા નથી કે તે દરેક વખતે પોતાની કુશળતાથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. પરંતુ કદાચ અનુરાગે હજુ પોતાનું શ્રેષ્ઠ કામ બતાવવાનું બાકી છે.
અનુરાગ કશ્યપ બનશે વિજય માલ્યા!
કાર્તિક ટૂંક સમયમાં ભારતીય ભાગેડુઓ પર ફિલ્મ લાવી રહ્યો છે. કાર્તિક આ ફિલ્મ દ્વારા ડાયરેક્ટોરિયલ ડેબ્યુ કરશે. ભારતના કરોડો રૂપિયા લઈને ભાગી ગયેલા લોકો પર બનેલી આ ફિલ્મની કહાની વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવેલા રિયલ લાઈફ સ્કેમ્સ આધારિત હશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુરાગ કશ્યપ આ ફિલ્મમાં વિજય માલ્યાની ભૂમિકામાં જોવા મળશે.
બંનેનું રંગ-રૂપ ઘણી હદ સુધી મેચ થાય છે અને અનુરાગ કશ્યપને આટલું મહત્વપૂર્ણ પાત્ર ભજવતા સાંભળવું ખૂબ જ અપીલિંગ લાગે છે. અહેવાલ છે કે, આ અંગે ફિલ્મના મેકર્સ અનુરાગ કશ્યપ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. કાર્તિક પાસે આ ફિલ્મ માટે ખૂબ જ ગ્રાંડ વિઝન છે અને તે આમાં વિજય માલ્યાના પાત્રને ખૂબ જ જીવંત અને મજબૂત બનાવવા માંગે છે.
અનુરાગ કશ્યપનો થશે હેવી મેકઅપ
કાર્તિક વિજય માલ્યાના પાત્રને વાસ્તવિકતાની ખૂબ નજીક રાખવા માંગે છે, જે ફ્લાઈટ્સ, ચાર્ટર, પાર્ટીઓ, સેલિબ્રિટી અને મસાલેદાર સમાચારોથી ઘેરાયેલા છે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, અનુરાગ કશ્યપને આ પાત્ર માટે પ્રોસ્થેટિક મેકઅપ આપવામાં આવશે. જ્યાં સુધી ફિલ્મમાં અન્ય પાત્રો ભજવવાના છે, તે ખૂબ જ ટૂંક સમયમાં સ્પષ્ટ થશે કે અન્ય પાત્રો કયા કલાકારો ભજવશે.