લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગો’ સાંભળીને પંડિત નેહરુની આંખો પણ થઇ ગઇ હતી નમ
તા. 27 જાન્યુઆરી 2024, શનિવાર
1962માં ચીન સાથે યુદ્ધ હાર્યા બાદ સમગ્ર દેશમાં નિરાશાની લાગણી ફેલાઈ ગઈ હતી. ભારતની આ હારથી તમામ દેશવાસીઓ નિરાશ થયા હતા. આવી સ્થિતિમાં દેશના લોકોનું મનોબળ વધારવા માટે લતા મંગેશકરે એક એવું ગીત ગાયું જેણે સાંભળીને સમગ્ર દેશ ભાવુક થઇ ગયો હતો.
આ વર્ષ 1963ની વાત છે જ્યારે કવિ પ્રદીપે એક દેશભક્તિ ગીત 'એ મેરે વતન કે લોગોં' લખ્યું હતું અને પછી તેમણે લતા મંગેશકરને આ ગીત ગાવાની વિનંતી કરી હતી. તેઓ ઇચ્છતા હતા કે, લતા પ્રજાસત્તાક દિવસના અવસર પર વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સામે આ ગીત ગાય.
જ્યારે લતાએ 'એ મેરે વતન કે લોગોં' ગાવાની ના પાડી
પહેલા લતાજીએ આ ગીત ગાવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ કે તેની પાસે રિહર્સલ માટે બહુ ઓછો સમય હતો. કવિ પ્રદીપના આગ્રહને કારણે લતાજી રાજી થયા હતા.
આ ગીતનું સૌપ્રથમ પ્રેઝન્ટેશન 1963માં દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં થયું હતું. સમારોહમાં હાજરી આપવા માટે લતાજી સ્ટેડિયમ પહોંચ્યાં અને ત્યાં હાજર તમામ લોકોને જોઈને તે ખૂબ જ નર્વસ થઈ ગયા હતા. આ સમારોહમાં શંકર-જયકિશન, મદન મોહન, રાજ કપૂર, દિલીપ કુમાર જેવી ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી.
લતા મંગેશકરનું આ ગીત સાંભળીને પીએમ નેહરુ રડી પડ્યા હતા
લતાજીએ પોતાની બાયોગ્રાફીમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, 'જ્યારે હું ગીત ગાયા પછી સ્ટેજ પરથી પાછી આવી ત્યારે મહેબૂબ ખાન સાહેબ મને શોધતા મારી પાસે આવ્યા. તેમણે મને કહ્યું કે નેહરુજીએ તમને બોલાવ્યા છે. પછી જ્યારે હું નેહરુજીને મળવા ગઇ ત્યારે તેમની પુત્રી ઈન્દિરા ગાંધી પણ ત્યાં હાજર હતા.
પીએમ નેહરુએ લતાજીને આ વાત કહી હતી
લતાજીનું એ મેરે વતન કે લોગો સાંભળ્યા બાદ નહેરુજી ભાવુક થઇ ગયા હતા. લતાજી કહે છે કે, પંડિતજી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે દીકરી, તમે આજે મને રડાવી દીધો. હું ઘરે જાઉં છું અને હું ઈચ્છું છું કે તમે અમારી સાથે ઘરે આવો અને મારા ઘરે ચા પીવો. પછી જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા તો હું એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઇ. પછી ઈન્દિરાજી આવ્યા અને તેમણે મને કહ્યું કે હું તમને બે ખાસ લોકો સાથે પરિચય કરાવવા માંગુ છું, જે તમારા મોટા પ્રશંસક છે. ત્યારબાદ તે તેના બે પુત્રો રાજીવ અને સંજયને લઈને આવ્યા હતા.
આ ગીતને લઇને એક રસપ્રદ વાત પણ જોડાયેલી છે કે, ‘એ મેરે વતન કે લોગો’ વિશે કવિ પ્રદીપે કહ્યું કે, મુંબઈના માહિમ બીચ પર ફરતા હતા ત્યારે આ ગીતના શબ્દો તેમના મગજમાં આવ્યા હતા. ત્યારે તેમની પાસે પેન કે કાગળ નહોતુ. તેથી તેમણે ત્યાંથી પસાર થતા એક અજાણી વ્યક્તિ પાસેથી પેન માંગી. પછી સિગારેટના બોક્સના એલ્યુમિનિયમ ફોઈલ પર લખ્યું.