શાહરૂખની 'જવાન'માં કામ કરવા બદલ આ એક્ટરને થયો અફસોસ, કહ્યું- મેં આ રોલ કેમ કર્યો?
Viraj Ghelani On Jawan Work Experience: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' 2023માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું હતું અને તે બ્લોકબસ્ટર હિટ પણ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અભિનેતા અને કન્ટેન્ટ ક્રીએટર વિરાજ ઘેલાણીએ પણ કામ કર્યું હતુ. એવામાં હવે જવાન રિલીઝ થયાના એક વર્ષ પછી વિરાજે ફિલ્મમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. જેમાં તેણે કહ્આયું હતું કે આ ફિલ્મ મારા માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ હતો.
વિરાજને 'જવાન'માં કામ કરવાનો પસ્તાવો
વિકી કૌશલની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'થી વિરાજે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેની પાસે ઘણી ફિલ્મની ઓફર આવી. જેમાં તેણે શાહરુખની ફિલ્મ જવાનમાં કેમિયો કરવાનું નક્કી કર્યું. એવામાં હવે વિરાજે એક પોડકાસ્ટમાં આ ફિલ્મમાં પોતાનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, 'મેં તે રોલ કેમ કર્યો? લોકો ઘણા સારા છે કે ફિલ્મમાં મને જોવા માટે તેઓ આવ્યા, પણ આ ફિલ્મ મારા માટે અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ હતો.'
ખરાબ અનુભવનું કારણ જણાવ્યું
વિરાજે ફિલ્મમાં ખરાબ અનુભવનું કારણ જણાવતા કહ્યું હતું કે, 'ત્યાં લોકો તમને ભાવ જ નથી આપતા. ત્યાં સેટ પર તેમની પાસે સંજય દત્ત અને શાહરૂખ ખાન છે. ત્યાં કામ કરવાનો માહોલ એવો હતો કે હા અહીંયા ઊભા રહી જાઓ અને આ કામ કરો.' વિરાજે વધુમાં કહ્યું હતું કે મારા અમુક મિત્રોએ થિયેટર કે ઓટીટી પર જવાન જોઈ જ નથી. આ ફિલ્મ જોવા હું મારી મંગેતરને લઈ ગયો હતો. તે મારા સીનની રાહ જોતી હતી, પરંતુ હું સ્ક્રીન પર આવ્યો અને થોડા જ સમયમાં ચાલ્યો ગયો જાણે કોઈ ધૂંધળું બેકગ્રાઉન્ડ હોય.'
15 દિવસ કામ કરાવ્યું તેમજ છતાં ફિલ્મમાં વધુ સીન ન રાખ્યા
વિરાજે વધુમાં કહ્યું કે, 'મેં મે મહિનાની ગરમીમાં 10 દિવસ સુધી મડ આઈલેન્ડમાં બપોરે 12 થી 6 વાગ્યા સુધી શૂટ કર્યું. મેં જોયું કે તેમણે મારી પાસે 15 દિવસ કામ કરાવ્યું હતું પરંતુ તેમાંથી તેણે ફિલ્મમાં મારા પ્રથમ દિવસના શૂટમાંથી માત્ર અડધો કલાક લીધો હતો. ફિલ્મને પ્રમોટ કરવા માટે જ તેઓ ક્રીએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સનો ઉપયોગ કરે છે.
સપ્ટેમ્બર 2023માં રિલીઝ થયેલી 'જવાન'માં દીપિકા પાદુકોણ અને નયનતારાએ પણ શાહરૂખ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ શાહરૂખના કરિયર અને બોલિવૂડની સૌથી મોટી ફિલ્મોમાંથી એક છે.