વિક્રાંત મેસી પત્રકાર બનીને ગોધરા કાંડનો કરશે ખુલાસો, એક્ટરે ફિલ્મ The Sabarmati Reportનું ટીઝર કર્યું શેર
- ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' 3 મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર
વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12th Fail'ની સફળતા બાદ એક્ટર વિક્રાંત મેસીએ વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત વધુ એક ફિલ્મ સાઈન કરી છે. વિક્રાંત મેસી રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સાથે 'ધ સાબરમતી રિપોર્ટ'માં કામ કરશે જેની સ્ટોરી 2002ના ગુજરાતના ગોધરા કાંડ પર આધારિત છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા પોસ્ટરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે હવે થોડા સમય પહેલા રિલીઝ થયેલ આ ફિલ્મના ટીઝરે તેમના ઉત્સાહને સાતમા આસમાને પહોંચાડી દીધો છે. આ ટીઝરમાં સ્ટોરીની એક ઝલક જોવા મળી છે જેને દર્શકો ખૂબ જ પસંદ આવી રહી છે.
એક્ટરે 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટિઝર કર્યું રિલીઝ
વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી 'ધ સાબરમતી રિપોર્ટ'નું ટીઝર શેર કર્યું છે. વિડિયોમાં વિક્રાંત મેસી હિન્દી પત્રકાર સમર કુમારની ભૂમિકામાં નજર આવી રહ્યો છે જે 27 ફેબ્રુઆરી 2002ના રોજ સ્ટુડિયોમાં બેસીને ગોધરા ટ્રેન સળગવાની ઘટનાની ખબર આપતો નજર આવી રહ્યો છે. જેમાં આ ટ્રેન દુર્ઘટનાને ષડયંત્રની ઘટના ગણાવવામાં આવી છે. ટીઝર શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે- આ જ દિવસે 22 વર્ષ પહેલા ગોધરા ટ્રેન સળગવાની ઘટનામાં જીવ ગુમાવનારા 59 નિર્દોષ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું. 'ધ સાબરમતી રિપોર્ટ' 3 મે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ફિલ્મનિર્માતા કપૂરના બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવી રહી છે.
સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાના કારણને લઈને અનેક વખત વિવાદ થઈ ચૂક્યો છે. 2006માં બેનર્જી આયોગના એક રિપોર્ટમાં તેને દુર્ઘટના જાહેર કરવામાં આવી હતી. જો કે, ગુજરાત હાઈકોર્ટે તે તારણોને ફગાવી દીધા હતા. બે વર્ષ બાદ નાણાવટી-મહેતા આયોગે જણાવ્યું કે તે મુસ્લિમ ટોળા દ્વારા પૂર્વ આયોજિત આગજની હતી. એક ટ્રાયલ કોર્ટે આ મામલે 2011માં 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા.