ફક્ત 37 વર્ષના વિક્રાંત મેસીની બોલીવૂડ છોડવાની જાહેરાત
- સાબરમતી રીપોર્ટ ફિલ્મ પછી ધમકીઓ મળી હતી
- હંગામી બ્રેક છે કે પછી કોઈ પબ્લિસિટી સ્ટન્ટ તે વિશે ચાહકોમાં અટકળો
મુંબઇ : પહેલાં 'બાલિકા બધુ' જેવી ટીવી સિરિયલ, બાદમાં 'મિર્ઝાપુર' જેવી વેબ સીરિઝ અને તાજેતરની '૧૨વી ફેઈલ' જેવી વખણાયેલી ફિલ્મોથી જાણીતા બનેલા કલાકાર વિક્રાંત મેસીએ માત્ર ૩૭ વર્ષની વયે એક્ટિંગ છોડવાની જાહેરાત કરતાં અસંખ્ય ચાહકો ઉપરાતં સંખ્યાબંધ બોલિવીડ સેલિબ્રિટીઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. વિક્રાંત ખરેખર કાયમી કે પછી હંગામી બ્રેક લઈ રહ્યો છે કે બોલીવૂડની સ્ટાઈલ પ્રમાણે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ છે તે વિશે પણ અટકળો વ્યક્ત થઈ રહી છે. વિક્રાંતની તાજેતરની ગોધરા કાંડ પરની ફિલ્મ 'સાબરમતી રીપોર્ટ' રીલિઝ થયા બાદ તેને તથા તેના પરિવારજનોને હત્યાની ધમકીઓ મળી હતી તેની સાથે આ સન્યાસની જાહેરાતને કોઈ કનેક્શન છે કે કેમ તે વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
વિક્રાંતે ગઈ મોડી રાતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતે ક્ષેત્ર સન્યાસ લઈ રહ્યાનુ ંજાહેર કર્યું હતું. તેણે લખ્યું હતું કે પોતે હાલ એકટિંગ છોડી એક પતિ, પિતાઅને પુત્ર તરીકે ફરજ બજાવવા પર ફોક્સ કરશે. તેણે લખ્યું છે કે પાછલાં કેટલાંક વર્ષો કારકિર્દીની રીતે બહુ અદ્ભૂત રહ્યાં છે પરંતુ હવે ઘર તરફ પાછા ફરવાનો સમય આવી ગયો છે.
થોડા સમય પહેલાં જ વિક્રાંતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'સાબરમતી રીપોર્ટ' ફિલ્મ પછી તેને અને તેનાં નવજાત સંતાનની પણ હત્યા કરવાની ધમકીઓ મળી રહી છે.મને વિચાર આવે છે કે, આપણે ક્યા સમાજમાં જીવી રહ્યા છીેએ ? અફસોસ થાયછે, ડર નથી લાગતો. ડર લાગતો હોત તો અને આ ફિલ્મ બનાવીને સત્ય વાત બહાર લાવત નહીં.
હજુ વિક્રાંતની એક-બે ફિલ્મો ૨૦૨૫માં રીલિઝ થવાની છે. તે પછી તે હાલમાં કોઈ મોટો પ્રોજેક્ટ નહિ સ્વીકારે એ સ્પષ્ટ છે. થોડા સમય પહેલાં જ અટકળો વ્યક્ત થઈ હતી કે વિક્રાંતને રણવીર સિંહ અને કિયારા અડવાણીની 'ડોન થ્રી'માં વિલનની ભૂમિકા ઓફર કરાઈ છે.