નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં '12th ફેઈલ', કાર્તિકની 'ચંદુ ચેમ્પિયન' કેમ એવોર્ડ ચૂકી, જાણો કારણ
70th National Film Awards: દેશના ટોચની પ્રતિષ્ઠિત સિનેમા સન્માન નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. જેમાં તમિલ ફિલ્મ પોન્નિયિન સેલ્વનને સૌથી વધુ 4 એવોર્ડ મળ્યા છે. બોલીવુડની ફિલ્મ બ્રહ્માસ્ત્રએ પણ 3 એવોર્ડ પોતાને નામ કર્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ફિલ્મ ચાહકો પોતાની ફેવરિટ ફિલ્મ અને મનપસંદ કલાકારોના નામ નેશનલ એવોર્ડ્સની યાદીમાં જોવા માટે ઉત્સુક રહ્યા હતા. જેમાં પોતાની મનપસંદ ફિલ્મને એવોર્ડ ન મળે તો નિરાશ પણ થાય છે.
આ એવોર્ડ્સની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અમુક ચાહકોએ વિક્રાંત મેસ્સીની ફિલ્મ ‘12th ફેઈલ’નું નામ આ યાદીમાં ન બોલાતા નિરાશ થઈ બળાપો કાઢ્યો હતો. ગતવર્ષે રિલિઝ થયેલી ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ સુપરહીટ રહી હતી. તેમ છતાં તેનું નામ આ એવોર્ડ્સની યાદીમાં ન હતું.
વિક્રાંતનું કામ પણ પ્રેક્ષકોને ખૂબ પસંદ આવ્યુ હતું, અને મોટાભાગના ચાહકો અને ફિલ્મ જોનારાઓએ અંદાજ લગાવ્યો હતો કે, આ ફિલ્મ નેશનલ એવોર્ડ જીતશે, પરંતુ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની યાદીમાં આ ફિલ્મનું નામ સુદ્ધા પણ લેવામાં આવ્યુ ન હતું. આ વર્ષે રિલિઝ થયેલી ચંદુ ચેમ્પિયન પણ જોયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોએ અભિયાન ચલાવ્યું હતું કે, કાર્તિક આર્યનને આ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળવો જોઈએ, પરંતુ આ ફિલ્મનું નામ પણ આ એવોર્ડ્સની યાદીમાં સામેલ ન હતું. આવો જાણીએ કેમ...
'12th ફેઈલ' પોતે રેસમાં નહોતી
નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં વિજેતાઓની જાહેરાત સીધી રીતે કરવામાં આવે છે, તેમાં પસંદ થયેલી તમામ ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવતી નથી. તેથી, સ્પષ્ટપણે કહી શકાય નહીં કે એવોર્ડની રેસમાં કઈ ફિલ્મો જ્યુરીની ફેવરિટ છે. તેમ છતાં, ફિલ્મો વિશે દર્શકો અને વિવેચકોની સામાન્ય લાગણીને કારણે, લોકો અનુમાન લગાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ '12th ફેઈલ' આ વખતે નેશનલ એવોર્ડની રેસમાં આવી શકી ન હતી. તેની પાછળ ખૂબ જ ટેકનિકલ કારણ છે.
નેશનલ ફિલ્મ એવોર્ડ્સ એવી ફિલ્મો માટે આપવામાં આવે છે જેને ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2022 વચ્ચે સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જ્યારે, ડિસેમ્બર 2022માં, વિક્રાંત મેસીની '12th ફેઈલ'નું શૂટિંગ સમાપ્ત થયું હતું.
નિરાશ ન થાઓ, 71માં નેશનલ એવોર્ડ્સની રેસમાં હોઈ શકે
આ ફિલ્મને 6 ઓક્ટોબર 2023ના રોજ સેન્સર સર્ટિફિકેટ (આ સર્ટિફિકેટ ફિલ્મની શરૂઆતમાં પ્રદર્શિત કરવામાં આવે છે) મળ્યું હતું અને તે 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેનો અર્થ એ કે તે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની કટ ઓફ ડેટમાં નથી. આનો અર્થ એ પણ છે કે જો તમે '12th ફેઈલ'ના ચાહક છો તો નિરાશ ન થાઓ, આ ફિલ્મ આગામી એટલે કે 71માં નેશનલ એવોર્ડની રેસમાં હશે.
ચંદુ ચેમ્પિયન આગામી વર્ષે એવોર્ડની રેસમાં
આ જ કારણસર કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન' પણ આ વખતે એવોર્ડની રેસમાં નહોતી, કારણ કે તેનું સેન્સર સર્ટિફિકેટ 31 માર્ચ 2024ના રોજ મળ્યું હતું. અને કાર્તિકની ફિલ્મને નેશનલ એવોર્ડ્સ માટે જ્યુરી સમક્ષ જવાની તક 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મળી શકે છે.