પુત્રની વયની હિરોઈન સાથે કામ કરવાનો વિજય સેતુપતિનો ઈનકાર
- બોલીવૂડ અભિનેતાઓ માટે સબક
- 2022માં ડીએસપી ફિલ્મની હિરોઈન શા માટે રાતોરાત બદલાઈ હતી તેનો હવે ખુલાસો થયો
મુંબઇ : વિજય સેતુપતિની ફિલ્મ 'ડીએસપી'માંથી હિરોઈન કૃતિ શેટ્ટીને રાતોરાત બદલવામાં આવી હતી. હવે એ વાતનો ખુલાસો થયો છે કે વિજયે પોતાના પુત્રની વયની હિરોઈન સાથે રોમાન્ટિક રોલ કરવાનો ઈનકાર કર્યો હોવાથી કૃતિને રાતોરાત પડતી મૂકવામાં આવી હતી.
વિજય સેતુપતિએ હાલમાં આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે અગાઉ મેં ૨૦૨૧માં આવેલી ફિલ્મ 'ઉપ્પેના'માં કૃતિના પિતાની ભૂમિકા ભજવી હતી. તે પછી 'ડીએસપી' ફિલ્મ માં કૃતિને તેની હિરોઈન બનાવવાનું નક્કી થયું હતું. ત્યારે પોતે ઈનકાર કરતાં કહ્યું હતું કે મારા પુત્ર અને કૃતિની વયમાં ઝાઝો તફાવત નથી. આથી હું તેની સાથે રોમાન્ટિક રોલ કરી શકું નહીં.
આ વાત બહાર આવતાં ચાહકો વિજય સેતુપતિની પ્રશંસા કરી રહ્યા છે અને બોલીવૂડ સ્ટાર્સની ઝાટકણી કાઢી રહ્યા છે. અક્ષય કુમારે 'સમ્રાટ પૃથ્વીરાજ' ફિલ્મમાં તેનાથી ૨૭ વર્ષ નાની માનુષી છિલ્લર સાથે કામ કર્યું હતું. તાજેતરમાં 'સિકંદર' ફિલ્મમાં સલમાન સામે રશ્મિકા મંદાનાને રોલ ઓફર કરાયો હોવાનું કહેવાય છે. આ પહેલાં સલમાન તેનાથી ૨૧ વર્ષ નાની સોનાક્ષી સિંહા સામે પણ હિરોનો રોલ કરી ચૂક્યો છે.