વિદ્યા બાલન-ઈલિયાનાની કરીના-કૃતિ સાથે ટક્કર ટળી
- 29મી માર્ચે બંને ફિલ્મો ટકરાવાની હતી
- ક્રૂ ને બદલે હવે દો ઔર દો પ્યાર ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા ટૂ સાથે ટકરાશે
મુંબઇ : બોક્સ ઓફિસ પર 'ક્રૂ' અને ' દો ઔર દો પ્યાર'ની ટક્કર ટળી છે. 'દો ઔર દો પ્યાર'ને ત્રણ સપ્તાહ પાછળ ઠેલવામાં આવી છે.
વિદ્યા બાલન, ઇલિયાના ડિક્રુઝ અને પ્રતીક ગાંધીની 'દો ઓર દો પ્યાર' આગામી ૨૯ માર્ચના રોજ રિલીઝ થવાની હતી.જોકે, આ જ દિવસે કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનની 'ક્રૂ' રિલીઝ થવાની છે. 'ક્રૂ'ની પ્રોડયૂસર એકતા કપૂર અને 'દો ઔર દો પ્યાર'ના પ્રોડયૂસર સમીર નાયર વચ્ચે લાંબા સમયથી રીલીઝ ડેટ આઘીપાછી કરવા પ્રયાસો ચાલી રહ્યા હતા. 'ક્રૂ'નાં પ્રમોશન માટે અત્યાર સુધી એકતા કપૂર બહુ મોટો ખર્ચ કરી ચુકી હોવાથી છેવટે સમીર નાયરે નમતું જોખ્યું હતું અને હવે તેમની ફિલ્મ તા. ૧૯મી એપ્રિલે રીલીઝ કરવાનું નક્કી કર્યું હતું.
જોકે, 'દો ઔર દો પ્યાર'ની ટક્કર તા. ૧૯મી એપ્રિલે ફરી એક્તા કપૂરની જ ફિલ્મ 'લવ, સેક્સ ઔર ધોખા ટૂ' સાથે થવાની છે. જોકે, નિર્માતાઓ એવી ગણતરી કરી રહ્યા છે કે 'દો ઔર દો પ્યાર' તથા 'લવ, સેક્સ ઔર ધોખા ટૂ'બંને મિડિયમ બજેટ ફિલ્મો હોવાથી તેમને બોક્સ ઓફિસ ટક્કરથી ખાસ નાણાંકીય નુકસાન નહીં થાય.
જોકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર માર્ચ અને એપ્રિલ બંનેના રિલીઝ કેલેન્ડર ભરચક છે. એપ્રિલમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં' રિલીઝ થવાની છે. જો તે ફિલ્મ સફળ રહી તો તેની પાછળ આવનારી અન્ય ફિલ્મોને પણ નુકસાન થઈ શકે છે.