રસપ્રદ કિસ્સો : જાણીતા ડાયરેક્ટરે અમિતાભને 4 કરોડની ગાડી ગિફ્ટ કરી તો માતાએ લાફો માર્યો
Vidhu Vinod Chopra: વિધુ વિનોદ ચોપરા એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર છે. તાજેતરમાં તેમણે '12th ફેલ' નામની ફિલ્મ બનાવી હતી. વર્ષ 2007માં તેમણે 'એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ' નામની મલ્ટીસ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ બનાવી હતી. જેમાં સૈફ અલી ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલને કામ કર્યું હતું. આમ તો આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ રહી, પરંતુ વિવેચકોએ ફિલ્મની પ્રશંસા કરી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આ ફિલ્મ નિર્માણ સમયનો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો.
બિગ બી માટે રૂ. 65 હજારનો રૂમ બુક કરવાનો ઇન્કાર કર્યો હતો
વર્ષ 2007ની વાત છે, વિધુ વિનોદ ચોપરા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ' કરી રહ્યા હતા. ત્યારે ફિલ્મના શૂટ વિશે જણાવતાં તેમણે કહ્યું કે, શૂટિંગ દરમિયાન મેં ઓછા બજેટને કારણે અમિતાભ બચ્ચન માટે રૂ. 65 હજારનો રૂમ બુક કરાવવાનો ઇન્કાર કર્યો હતો. તે એટલું મુશ્કેલ હતું કે જો મેં બિગ બી માટે રૂમ બુક કરાવ્યો હોત તો પછી હું સૈફ અને સંજયને ફિલ્મમાં લઈ ના શક્યો હોત. જો કે હું અમિતાભ માટે પણ રૂમ બુક કરાવી શકતો હતો પરંતુ એવું કરવાથી ફિલ્મનું બજેટ વધી જતું હતું અને હું એકલવ્ય ફિલ્મ ન બનાવી શક્યો હોત.'
આ પણ વાંચો: આદિત્ય ધરની ફિલ્મમાં રણવીર નહિ પણ માધવન અજિત દોવાલના રોલમાં
બાદમાં રૂ. 4 કરોડની કાર ગિફ્ટ કરી
વિધુ વિનોદે જણાવ્યું હતું કે, 'જ્યારે મેં મારી કારકિર્દીમાં સારી કમાણી કરી લીધી ત્યારે મેં અમિતાભ બચ્ચનને 'રોલ્સ રોયસ ફેન્ટમ' કાર ગિફ્ટ કરી હતી.' વિધુએ બિગ બીને રૂ. 4 કરોડની કાર ગિફ્ટ કરી હતી, જો કે તે સમયે તેમની પોતાની પાસે મારુતિ વાન હતી.
એ સમયે તેમની માતા એ જે પ્રતિક્રિયા આપી તેના પર વિધુ વિનોદે કહ્યું હતું કે, હું તે ઘટનાને ક્યારેય ભૂલી શકતો નથી. હું મારી માતા સાથે અમિતાભને કાર ગિફ્ટ કરવા ગયો હતો. તેમને ગિફ્ટ આપ્યા પછી અમે વાદળી રંગની મારુતિ વાનમાં બેસીને પાછા આવ્યા. મારી મા બિગ બીને લંબુ કહેતી હતી. મારી પાસે તે સમયે ડ્રાઇવર ન હતો તેથી હું ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.
ત્યારે માએ પૂછ્યું કે, 'શું તે લંબુને ગાડી આપી દીધી? મેં હા કહ્યું તો માએ કહ્યું કે, 'તો તું તારા માટે કાર કેમ નથી લેતો?' એટલે મેં કહ્યું કે હું કાર લઈશ પણ હમણાં નહિ. તો માએ કહ્યું કે, ગિફ્ટ કરેલી કારની કિંમત રૂ. 11 લાખ તો હશે જ.' આ સાંભળી હું હસવા લાગ્યો કારણ કે તે કારની કિંમત રૂ. 4 કરોડ છે એવી મારી માને ખબર ન હતી. આથી મેં તેમને સાચી કિંમત કહી તો તેમણે મને લાફો મારીને મને મૂર્ખ કહ્યો. આ ઘટના હું ક્યારેય ભૂલી શકતો નથી.'
આ પણ વાંચો: સલમાન માટે સૂરજ બડજાત્યાએ નવી સ્ક્રિપ્ટ શોધી કાઢી
દિગ્દર્શક તરીકે વિધુની છેલ્લી ફિલ્મ, તેની '12th ફેલ'ને માત્ર વિવેચકો જ નહીં પણ દર્શકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 69 કરોડની કમાણી કરી છે.