Get The App

એક્ટરનું ચાલીમાં વીત્યું બાળપણ, રૂ.1500 હતો પગાર, હવે કિસ્મત ચમકતા 5 ફિલ્મોની 100 કરોડની કમાણી

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
Vicky Kaushal Recalls Struggle Days


Vicky Kaushal Recalls Struggle Days: બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ હાલમાં તેની ફિલ્મ 'છાવા'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે પોતાના સ્ટ્રગલના દિવસો યાદ કર્યા હતા. એ દિવસો યાદ કરતા વિક્કી કહ્યું હતું કે, અમે એ સમયે ચાલીમાં રહેતા હતા અને મારો પ્રથમ પગાર રૂ. 1500 હતો. આમ તો વિક્કી એક્શન ડાયરેક્ટર શામ કૌશલનો પુત્ર છે, પરંતુ એક્ટરે પોતાની મહેનતથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

વિક્કી તેના પરિવાર સાથે ચાલીમાં રહેતો 

એવામાં તાજેતરમાં વિક્કીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સ્ટ્રગલના દિવસો યાદ કર્યા હતા. એક્ટરની આ જર્ની તેના ફેન્સ માટે પ્રેરણાથો ઓછી નથી. એક સમયે એક્ટર તેના પરિવાર સાથે એક ચાલીમાં 10x10 રૂમમાં રહેતો હતો. એ પછી વિક્કીએ અહીંયા સુધીની સફર કરી જે પ્રેરણા આપે તેવી છે. 

આ બાબતે વિક્કી કહ્યું હતું કે, 'મારો જન્મ જ ચાલીમાં થયો છે, જ્યારે હું ચાલીમાં રહેતો હતો ત્યારે મારા કરતા તો વધુ સંઘર્ષ મારા માતા-પિતાએ કરવો પડ્યો છે. અમે તો બાળકો હતા. અમને તો એ પણ ખબર નહતી કે સંઘર્ષનો મતલબ શું થતો. હું મારા સંઘર્ષને ખૂબ વધારીને નહિ બોલુ, કારણ કે દરેકના જીવનમાં સંઘર્ષ તો હોય છે. એવું પણ બની શકે કે મારી સ્થિતિ અન્ય કોઈથી ઘણી સારી હોય અથવા તો અન્ય કોઈનું જીવન મારા કરતા ઘણું સારું રહ્યું હોય. અંતે તો આપણે સૌએ આપણા જીવનનો અર્થ આપણી જાતે જ શોધવાનો હોય છે.' 

જીવનમાં સંઘર્ષ પણ મહત્ત્વનો છે

વિક્કી કહે છે, 'જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી સંઘર્ષ તો રહેશે જ. કોઈને કંઈક વસ્તુની કમી હશે, તો કોઈને અન્ય કોઈ વસ્તુની કમી હશે. આ જીવનનો એક ભાગ છે. પણ હું માનું છું કે જીવનના સંઘર્ષને ઉજવવા જોઈએ. નહીં તો ઈન્ટરવ્યૂમાં આપણે વાત શું કરીશું! જો તમે સંઘર્ષ વિના જીવનમાં કંઈક હાંસલ કરશો તો તમારી પાસે કહેવા માટે કંઈ નથી.'

રૂ. 1500 હતી પહેલી સેલેરી

પોતાની પહેલી સેલેરી વિશે વાત કરતાં વિક્કી કૌશલ કહે છે, 'જ્યારે હું થિયેટર કરતો હતો ત્યારે મને પગાર તરીકે 1500 રૂપિયાનો ચેક મળ્યો હતો. તે સમયે હું અભિનયમાં નહીં પણ પ્રોડક્શનમાં બેકસ્ટેજ કામ કરતો હતો. શૉ પછી, જ્યારે મારી પાસે તે ચેક મારી બેગમાં હતો અને હું સ્ટેશન પર મારી ટ્રેનની રાહ જોતો હતો. એ સમયે હું ખૂબ નર્વસ હતો. મને ડર હતો કે મારું બેગ ખોવાઈ જશે આથી મેં બેગને ચુસ્તપણે પકડી રાખ્યું હતું. પણ હા, એ મારી પહેલી કમાણી હતી.'

પોતાના કરિયરના શરૂઆતી દિવસોમાં વિક્કી કૌશલની પહેલી સેલેરી રૂ.1500 હતી, પરંતુ આજે તે એક ફિલ્મમાં કામ કરવા માટે રૂ.20 કરોડ સુધી ચાર્જ લે છે. વિક્કીની ફિલ્મ 'છાવા' 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં વિક્કી સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના મહત્ત્વની ભૂમિકામાં છે.

એક્ટરનું ચાલીમાં વીત્યું બાળપણ, રૂ.1500 હતો પગાર, હવે કિસ્મત ચમકતા 5 ફિલ્મોની 100 કરોડની કમાણી 2 - image


Google NewsGoogle News