ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ગુજરાતીમાં બનાવી હતી પ્રથમ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, રાજકોટમાં કર્યું હતું ‘મંથન’નું શૂટિંગ
Shyam Benegal Death : જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ ઘણા સમયથી બીમાર હતા, તેમ છતાં તેઓ અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. બેનેગલનું 90 વર્ષની ઉંમરે સાંજે 6.39 કલાકે નિધન થયું છે. તેમણે ગુજરાતીમાં પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'ઘેર બેઠા ગંગા' બનાવી હતી.
બેનેગલે ફિલ્મો થકી સમાજ સુધારકની કામગીરી કરી
બેનેગલની ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો, તેમની ફિલ્મ શૈલી એટલી અદ્ભૂત હતી કે વિવેચકો પણ તેમની શૈલીના વખાણ કરતાં થાકતા નહોતા. તેમની સિને કૃતિઓ તેના રાજકીય અને સામાજિક વ્યંગ માટે પણ જાણીતી છે. એક વખત તેમણે કહેલું રાજકીય સિનેમા ત્યારે જ ટકી શકે છે જ્યારે સમાજમાં તેની ડિમાન્ડ હોય. હું નથી માનતો કે ફિલ્મો સમાજમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ ફિલ્મોમાં સામાજિક ચેતના જગાડવાની ક્ષમતા જરૂર હોય છે. બેનેગલે અંકુર, મંથન, નિશાંત, આરોહણ, સુસ્મન, હરીભરી, સમર જેવી ફિલ્મો બનાવીને સમાજની સુષુપ્ત ચેતનાને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. માત્ર ભારતમાં જ નહીં આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેમના કલા-કસબને ગંભીરતાથી લેવામાં આવે છે.
તેમની ફિલ્મોએ રિયલીઝમ ક્યારેય પીરસ્યું નથી
1974માં અંકુર જેવી યુગપ્રવર્તક ફિલ્મ બનાવી તેમણે સિનેકર્મને નવો ચહેરો આપ્યો. આ ફિલ્મ સમાંતર સિનેમાની પ્રથમ રચના માનવામાં આવે છે. તેમની ફિલ્મોએ રિયલીઝમ ક્યારેય પીરસ્યું નથી. તેમની ફિલ્મ પહેલાં એક ઉત્તમ કલાકૃતિ હતી, તેથી જ અંકુર બર્લીન ફિલ્મોત્સવમાં પુરસ્કૃત થઈ હતી. તેમની અથાગ મહેનત અને ઉત્તર કલાકૃતિના કારણે જ અંકુર ફિલ્મ ઓસ્કરમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી થઈ હતી.
બેનેગલે ગુજરાતના આંદોલન પર આધારિત પણ ફિલ્મ બનાવી હતી
મંથન ફિલ્મ ગુજરાતના દૂધ સહકારીતા આંદોલન પર આધારિત હતી. આ ફિલ્મ બનાવવા માટે બેનેગલે ગુજરાતના દૂધ ઉત્પાદકો પાસેથી બબ્બે રૂપિયા ઉઘરાવીને ભંડોળ એકઠું કર્યું હતું. તેમનું આ પગલું સામ્યવાદીઓએ વખોડ્યું, પરંતુ તેઓ ટસના મસ ન થયા. ફિલ્મ જોયા પછી શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરીયને તેમને આ ફિલ્મ યુએનમાં દેખાડવા સલાહ આપીને તેવો સુભગ સહયોગ પણ રચાયો હતો.
‘મંથન’ ફિલ્મનું રાજકોટમાં 45 દિવસ શૂટિંગ ચાલ્યું હતું.
'મંથન' ભારતની સર્વપ્રથમ ક્રાઉડ-ફન્ડેડ ફિલ્મ છે. પાંચ લાખ ખેડૂતોએ ફાળો કરીને ઊભા કરેલા ભંડોળમાંથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ગુજરાતના ડેરી ઉદ્યોગ પર આધારિત છે. શ્યામ બેનેગલ મૂળ શબાનાને લઈને આ ફિલ્મ બનાવવાના હતા, પણ શબાના વ્યસ્ત સ્ટાર બની ચૂકયા હતા એટલે સ્મિતાને મુખ્ય નાયિકા તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં. સ્મિતા અને અન્ય કલાકારોને ગુજરાતી લહેકો શીખવવા માટે ખાસ કોચ રાખવામાં આવ્યો હતો. રાજકોટ નજીક સાંગણવા ગામે 45 દિવસ 'મંથન'નું શૂટિંગ ચાલ્યું હતું.
તેમણે હંમેશા સમાજની પરિકલ્પના રજૂ કરી
અંકુરથી માંડીને જુબૈદા સુધીના તેમના તમામ ચિત્રપટ બહેતર, સમાનતાવાદી અને પ્રગતિની સમાન તકો આપતાં સમાજની પરિકલ્પના પ્રસ્તુત કરે છે. બેનેગલની ફિલ્મની સ્ત્રી અબળા નથી, તે શોષણ અને દમન સામે નિરંતર સંઘર્ષ કરતી રહે છે. તેઓ કહેતા હતા કે, મા-બહેન-દીકરી-પત્ની તરીકે સ્ત્રીનું મહિમામંડન કરવામાં આવે છે, તે અસલમાં તેમના શોષણ માટેનું હથિયાર છે. તેઓ હંમેશા સ્ત્રીની સ્ત્રી તરીકેની ઓળખની વકીલાત કરતા હતા. તેમની ફિલ્મમાં નારીપાત્ર કેન્દ્ર સ્થાને હતી.