લિવ ઈન રિલેશનશિપ મુદ્દે પીઢ અભિનેતા-અભિનેત્રીઓ સામસામે: મુકેશ ખન્નાએ ઝીનત અમાનને કહ્યું- સમજી વિચારીને બોલો
Image: Wikipedia & Facebook
Zeenat Aman on Live in Relationship: વિતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ ઝીનત અમાને યુવાનોને લગ્ન પહેલા લીવ ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી અને હોબાળો મચી ગયો છે. જ્યારે તેમણે લગ્ન કર્યાં વિના સાથે રહેવાની સલાહ આપી અને પોતાનો મત રજૂ કર્યો ત્યારથી તે લોકોની સાથે-સાથે સેલેબ્સના નિશાને છે. પહેલા એક્ટ્રેસ મુમતાજે તેમની પર નિશાન સાધ્યું અને હવે મુકેશ ખન્ના પણ આ વિવાદમાં કૂદી પડ્યાં છે. દિવંગત એક્ટર દિલીપ કુમારની પત્ની અને એક્ટ્રેસ સાયરા બાનોએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનો માટે ફેમસ મુકેશ ખન્નાએ ઝીનત અમાન પર પલટવાર કર્યો અને તેમની લાઈફસ્ટાઈલ પર જ કમેન્ટ કરી દીધી છે.
મુકેશ ખન્નાએ જણાવ્યું કે ઝીનત અમાન શરૂઆતથી જ પશ્ચિમી સભ્યતાના હિસાબે જીવન જીવે છે પરંતુ તેમણે સમજવું જોઈએ કે લીવ ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિમાં સ્વીકાર કરવામાં આવતો નથી. આ વાત સાયરા બાનોએ પણ કહી હતી. તેમનું કહેવું હતું કે તેઓ ક્યારેય લીવ ઈન રિલેશનશિપની વકાલત કરતાં નથી અને ક્યારેય પણ આ પ્રકારનાં સંબંધોનો સ્વીકાર કરી શકતાં નથી.
મુકેશ ખન્નાનો ઝીનત અમાન પર પલટવાર
મુકેશ ખન્નાએ ઝીનત અમાનના નિવેદન પર કહ્યું, 'આપણી સંસ્કૃતિ અને ઈતિહાસમાં લીવ ઈન રિલેશનશિપ જેવી બાબતોને ક્યારેય માન્યતા આપવામાં આવી નથી. ઝીનત અમાન આ વિશે જે પણ વાત કરી રહી છે તેમણે પહેલા દિવસથી જ પશ્ચિમી સભ્યતાના હિસાબે પોતાનું જીવન જીવ્યું છે. તેમના માટે આવી બાબતો નવી નથી. ઝીનત અમાન જે વિશે વાત કરી રહી છે કે યુવક અને યુવતી લગ્ન પહેલા આના દ્વારા એકબીજાને જાણશે પરંતુ આ તો અસ્વીકાર્ય છે'.
ઝીનત અમાને સમજી-વિચારીને બોલવું જોઈએ
મુકેશ ખન્નાએ તે સંભવિત પરિણામોને લઈને ચિંતા વ્યક્ત કરી જે લીવ ઈન રિલેશનશિપના કારણે પેદા થઈ શકે છે. મુકેશ ખન્નાએ કહ્યું, સૌથી પહેલા તો જો યુવક અને યુવતી, પતિ-પત્નીની જેમ સાથે રહેશે તો વિચારો તે બંનેનું શું થશે. તેમનો સંબંધ આગળ ન વધ્યો તો શું થશે? જે લોકો આવી વાતો કહી રહ્યાં છે, તેમણે સમજી-વિચારીને બોલવું જોઈએ'.
ઝીનત અમાને શું કહ્યું હતું? મુમતાજે શું જવાબ આપ્યો હતો?
ઉલ્લેખનીય છે કે ઝીનત અમાને થોડા દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે રિલેશનશિપ પર સલાહ આપતાં કહ્યું હતું કે યુવક અને યુવતીએ લગ્ન જેવા બંધનમાં બંધાયા પહેલા થોડો સમય લીવ ઈનમાં રહેવું જોઈએ. તેનાથી તે એકબીજાને સારી રીતે સમજી શકે છે. તેની પર મુમતાજ પણ રોષે ભરાઈ ગયા હતાં કે તેમનું પોતાનું લગ્નજીવન નરક જેવું રહ્યું છે અને તેમણે આવી સલાહ આપવી પણ જોઈએ નહીં.