પીઢ અભિનેતા શત્રુધ્ન સિંહા પણ ઓટીટી સીરીઝમાં દેખાશે
- આ વખતે પુત્રીને પગલે પિતા ચાલ્યા
- ગેન્ગઝ ઓફ ગાઝિયાબાદ સીરીઝમાં સની લિઓનીની પણ ભૂમિકા હશે
મુંબઇ : પીઢ અભિનેતા અને રાજકારણી શત્રુધ્ન સિંહાએ પણ દીકરી સોનાક્ષી સિંહાને પગલે હવે ઓટીટીની આલમમાં ઝંપલાવ્યું છે. તેમની એક ઓટીટી સીરીઝ ગેંગ્સ ઓફ ગાઝિયાબાદ રજૂ થવાની છે.
સોનાક્ષી અગાઉ હિંદી ફિલ્મો બાદ 'દહાડ' જેવી વેબ સીરીઝ કરી ચુકી છે અને સંજય લીલા ભણશાળીની આગામી સીરીઝ 'હીરા મંડી'માં પણ તેની ભૂમિકા છે.
હવે લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી ઓઝલ રહેલા શત્રુધ્ન સિંહાએ વેબસીરીઝમાં રોલ સ્વીકાર્યો છે. આ સીરીઝમાં તેમના સહ કલાકારોમાં આશુતોષ રાણા, જતીન સરના, અભિમન્યુ સિંહ, માહિરા શર્મા ઉપરાંત સની લિઓની પણ કામ કરી રહ્યાં છે.
વેબ સીરીઝ ગેન્ગસ ઓફ ગાઝિયાબાદની વાર્તા અપરાધની દુનિયા પર આધારિત એક ડ્રામા સીરીઝ છે. તેમાં યુપીની ૯૦ના દાયકાની ગેંગવોરને લગતી વાર્તા છે.
જોકે, શત્રુધ્ન સિંહા આ સીરીઝમાં કોઈ ફૂલ લેન્થ રોલ કરશે કે પછી માત્ર કેમિયો કરવાના છે તે વિશે અટકળો સેવાય છે.