જુનિયર મહેમૂદની હાલત જોઈ પીઢ અભિનેતા જિતેન્દ્ર રડી પડયો
- જુનિયર મહેમૂદને ચોથાં સ્ટેજનું કેન્સર
- સચિન પીલગાંવકર અને જ્હોની લીવર સહિતના જૂના મિત્રો પણ મળવા પહોંચ્યા
મુંબઇ : પેટના કેન્સરના ચોથા સ્ટેજને લીધે ભારે બીમાર થઈ ગયેલા જુનિયર મહેમૂદની હાલત જોઈ પીઢ અભિનેતા જિતેન્દ્ર રડી પડયો હતો. જુનિયર મહેમૂદે વ્યક્ત કરેલી ઈચ્છાને પગલે જિતેન્દ્ર, સચિન પીલગાંવકર, જ્હોની લીવર સહિતના મિત્રો તેની ખબર પૂછવા પહોંચ્યા હતા.
જૂનિયર મહેમૂદની હાલત બહુ ખરાબ છે અને તે પોતાના જૂના મિત્ર સચિન પીલગાંવકરને મળવા ઈચ્છે છે તેવા અહેવાલો બાદ સચિનની દીકરી અને એકટ્રેસ શ્રીયા પીલગાંવકરે પણ જણાવ્યું હતું કે મારા પિતા સતત જૂનિયર મહેમૂદના સંપર્કમાં જ છે અને તેઓ મળવાના પણ છે.
તે પછી સચિન તથા જિતેન્દ્ર જૂનિયર મહેમૂદને મળવા પહોંચ્યા હોવાની તસવીરો વાયરલ થઈ હતી. તેમાં જિતેન્દ્ર તો તેની હાલત જોઈને રીતસરનો રડી પડયો હતો.
જૂનિયર મહેમૂદે વિતેલાં વર્ષોમાં બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મોમાં તેણે અને સચિને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.