'સાથ નિભાના સાથિયા'નો એક્ટર વિદેશમાં સ્થાયી થયો, 8 વર્ષથી કામ કરી કમાયા કરોડો ડોલર
'સાથ નિભાના સાથિયા'ના એક્ટર વિશાલને તો આપણે સૌ જાણીએ છીએ. પોતાની આગવી અભિનયકળાને કારણે તેણે દર્શકોમાં પોતાની ઓળખ બનાવી હતી અને નોંધપાત્ર ખ્યાતિ મેળવી હતી પરંતુ ટીવી પર 13-14 વર્ષનું કરિયર બનાવ્યા બાદ વિશાલ લોસ એન્જલસ શિફ્ટ થઈ ગયો હતો અને છેલ્લા 8 વર્ષથી તે ત્યાં રહે છે.
વિદેશમાં સ્થાયી થયો વિશાલ :
જોકે આ પ્રકારની કારકિર્દી ઉભી કરીને એકાએક કામ છોડી વિદેશમાં જવું અને ત્યાં ટકી રહેવું સહેલું નથી પણ વિશાલ માટે આ કામ જરાય મુશ્કેલ નહોતું. એક મીડિયા ઈન્ટવ્યુમાં વિશાલે આ અંગે ખુલાસો કરતા કહ્યું કે મેં જે દિવસે 'સાથ નિભાના સાથિયા' શો છોડ્યો તે જ દિવસે હું લોસ એન્જલસ શિફ્ટ થઈ ગયો હતો. મને O1B વિઝા મળ્યા હતા. આ એક ખાસ પ્રકારનો વિઝા છે જે અસાધારણ ગુણો ધરાવતા લોકોને આપવામાં આવે છે અને અમુક ક્ષેત્રમાં ખાસ નિષ્ણાત હોય તેઓ જ આ વિઝા મેળવી શકે છે. ત્યાં થોડો સમય કામ કર્યા બાદ હું પાછો ફર્યો છું.
"મેં વર્ષ 2016માં શો છોડી દીધો. મારા વિઝાની મુદત તાજેતરમાં જ પુરી થઈ ગઈ છે અને મારું સોશિયલ સિક્યોરિટી કાર્ડ પણ ખોવાઈ ગયું છે તેથી મારે બંને વસ્તુઓ હવે મેળવવી પડશે. હું આ બાબતોમાં અટવાઈ ગયો છું. મને આ વસ્તુઓ મળશે તો હું ફરી કામકાજ શરૂ કરીશ. અહીં શિફ્ટ થઈને મને સારું લાગ્યું પરંતુ હું મારા પરિવારને મળવા માટે ભારત પણ જાઉં છું.
વિદેશમાં શું કરે છે વિશાલ?
અત્રે ઉલ્લેખનીય છે કે વિશાલ જ્યારે લોસ એન્જલસમાં શિફ્ટ થયો ત્યારે તેને એક બ્રાન્ડ દ્વારા હાયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે આ બ્રાન્ડનો ચહેરો જ બની ગયો. તેના પર વિશાલે કહ્યું- મેં ફેશન વીકમાં તેમના માટે રેમ્પ વોકથી શરૂઆત કરી હતી. આગળ જતા મેં અનેક બ્રાન્ડ્સ માટે મોડલિંગ કરવાનું શરૂ કર્યું. બાદમાં મેં મારો વિઝા B1Bથી વર્ક વિઝા, F1Bમાં બદલ્યો. આપણે તેને ગ્રીન કાર્ડ પણ કહી શકીએ. આ સિવાય મેં મારો પોતાનો શો- પેપિટાઝ અમેરિકા (Pepita's America) શરૂ કર્યો છે. તેને એમી એવોર્ડ માટે સબમિટ કરવામાં આવ્યો હતો અને તે નોમિનેટ પણ થયો હતો. આ એક અમેરિકન શો છે, જેમાં ઓલ-સ્ટાર કાસ્ટમાં હું એકમાત્ર ભારતીય છું.
"હું અત્યારે સત્તાવાર રીતે શૂટ કરી શકતો નથી પરંતુ મારા વિઝા રિન્યૂ થશે ત્યારે હું ફરીથી શૂટિંગ શરૂ કરીશ પરંતુ આ વખતે એક અલગ શો માટે કરીશ. ભટિંડાથી લોસ એન્જલસ સુધીની મારી સફર અદ્ભુત રહી છે, પરંતુ હું અહીં મારા પરિવારને બહુ યાદ કરું છું. પરિવાર વિના દરેક મોજશોખ-વૈભવ-વિલાસ અધૂરા લાગે છે. વિદેશમાં રહેવાનો સૌથી મોટો ગેરલાભ જ આ છે કે તમે પરિવારથી દૂર થાવ છો. જોકે અહીં પરદેશમાં પણ મારા કેટલાક મિત્રો છે જેઓ મને થોડો મુંબઈ જેવો અનુભવ કરાવે છે તેથી હું તેમનો આભાર માનું છું."
વિદેશ જવા માટે કોણે પ્રેરણા આપી ?
એકાએક શો છોડીને ભારત જેવા દેશ છોડીને પરદેશ જવું અને ત્યાં પણ આ પ્રકારની જ કારકિર્દી ઉભી કરવાનો નિર્ધાર અચંભાભર્યો છે. વિશાલે આ વિશે જણાવ્યું કે તેને ટીવી પર કામ કરવાથી કંટાળો આવવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં તેણે આ સાઈકલ તોડીને વિદેશમાં નોકરી કરવા શિફ્ટ થવાનું વિચાર્યું.
વિશાલે કહ્યું- મેં લગભગ 13-14 વર્ષથી ટીવી માટે કામ કર્યું છે. અમે 30-40 કલાક શૂટિંગ કરતા હતા પરંતુ હવે નવા કલાકારો આવતા હોવાથી તેઓ 10 કલાકથી વધુ સમય સુધી શૂટિંગ કરવાનું પસંદ કરતા નથી. મને હજી પણ ટીવી કરવાનું ગમે છે, પરંતુ આજના સમયમાં TV માટે કામ કરવું મતલબ તમારે તમારું અંગત જીવન ભૂલી જવાનું રહેશે. તમારે દરરોજ શૂટ કરવાનું હોવાથી 6-7 મહિના માટે પરિવારથી દૂર થવાનો આભાસ થાય છે.
જો મારે ભારત પરત ફરીને કામ કરવું હોય તો હું OTTને પસંદ કરીશ. આ સ્થિતિમાં હું ભારત અને લોસ એન્જલસ બંને જગ્યાએ કામ કરી શકું છું. તમે બે મહિના સુધી શૂટિંગ કરશો અને પછી બીજી જગ્યાએ આવો. વેબ વર્લ્ડમાં ઓડિશન આપવા માટે તમારે ત્યાં શારીરિક રીતે હાજર હોવું જરૂરી નથી. તમે શૂટ કરીને મોકલી શકો છો.