ટીવી અભિનેત્રી પારૂલ ચૌધરી બીજી વખત કોરોનાના ઝપાટામાં
- આ વખતે માતા-પિતા, બહેન પણ કોરોના પોઝિટિવ
મુંબઇ : કોરોના વાયરસ મુંબઇમાં માઝા મુકી રહ્યો છે. લોકો આ વાયરસના સપાટામાં બીજી વખત પણ આવી રહ્યા છે. ટેલિવિઝન શો અનુપમાની અભિનેત્રી પારૂલ ચૌધરી બીજી વખત કોરોના પોઝિટિવ થઇ છે. એટલું જ નહીં તેની સાથે તેના પેરન્ટસ અને બહેન પણ કોવિડ-૧૯ના સપાટામાં આવ્યા છે. સીરિયલમાં અભિનેત્રી ડો. મોનાનું પાત્ર ભજવી રહી છે.
પારુલે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સાચું કહું તો આટલી બધી બીમારીનો અનુભવ મેં મારા જીવનમાં અત્યાર સુધી કર્યો નથી. મારું આખું શરીર દુખતું હતું તેમજ માથું પણ અસહ્ય દુખતું હતું. મને બહુ નબળાઇ આવી ગઇ છે. મારી એનર્જી લેવલ ઝીરો થઇ ગયું છે. સુગંધ અને સ્વાદ જતા રહ્યા છે સાથે લુઝ મોશન પણ થઇ રહ્યા છે. મારી હાલત સૌથી વધુ ખરાબ છે. હાલ હું ઘરમાં જ ક્વોરન્ટાઇન છું. તેમજ મારા માતા-પિતા અને બહેન બધાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમે ડોકટરની સલાહ અનુસાર ઇલાજ કરાવી રહ્યા છીએ. અમારા મિત્રો અમને તેમનાથી થાય તેટલી મદદ કરી રહ્યા છે.
આ પહેલા પારૂલને સપ્ટેમ્બર મહિનામાં કોરોના થયો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે, પહેલી વખત મને કોરોના થયો ત્યારે મારામાં એક પણ લક્ષણ જોવા મળ્યો નહોતો. હું વેબ શોના શૂટિંગ માટે ગઇ હતી ત્યારે મારી ટેસ્ટ કરવામાં આવી હતી જે પોઝિટિવ નીકળી હતી. પહેલી વખત મને કોઇ તકલીફ થઇ નથી. પરંતુ બીજી વખત કોરોનાના સપાટામાં આવતા મારી શારીરિક હાલત બહુ ખરાબ થઇ ગઇ છે. એવું નથી કે એક વખત કોરોના થઇ જાય પછી બીજી વખત કોરોના થતો નથી. ભીડવાળી જગ્યાઓમાં જવાથી કોરોના થવાનું જોખમ વધી જતું હોય છે.