એક્ટર યોગેશ મહાજનનું 44 વર્ષની વયે નિધન, શૂટિંગ માટે ન આવતા ક્રૂ મેમ્બર્સે ઘરનો દરવાજો તોડ્યો
Yogesh Mahajan Passes Away: ટીવી અને મરાઠી ફિલ્મ એક્ટર યોગેશ મહાજને 44 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે તેના ઉમરગાંવ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના આકસ્મિક નિધનથી તેમના પરિવાર અને નજીકના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું નિધન
યોગેશ મહાજનનું 19 જાન્યુઆરી, 2025 ના રોજ અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું. એક્ટરના અંતિમ સંસ્કાર 20 જાન્યુઆરી, 2025ના રોજ મુંબઈના બોરીવલી વેસ્ટમાં કરવામાં આવશે.
શૂટિંગ માટે ન આવતા ક્રૂ મેમ્બર્સે ઘરનો દરવાજો તોડ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટર યોગેશ મહાજનનું અવસાન તેના ફ્લેટમાં થયું. સેટની નજીકમાં જ તનું એપાર્ટમેન્ટ હતું. કહેવામાં આવી રહ્યું છે કે તે જયારે શુટિંગ પર ન આવ્યો ત્યારે ક્રૂ મેમ્બર્સએ તેના ઘરે જઈને તપાસ કરી હતી. લાંબા સમય સુધી એકટરે દરવાજો ન ખોલતા ક્રૂ મેમ્બર્સે ઘરનો દરવાજો તોડીને અંદર ગયા હતા.
યોગેશ મહાજન ફ્લેટમાં હતા
યોગેશ મહાજન ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. તબીબોએ પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે હાર્ટ એટેકને કારણે તેનું નિધન થયું હતું. આ ઘટનાથી તેના કો-સ્ટાર્સ પણ આઘાતમાં છે. દરેક તેના વ્યક્તિત્વના અને રમૂજી સ્વભાવના વખાણ કરી રહ્યા છે.
યોગેશ મહાજનના પરિવારમાં કોણ છે?
યોગેશ મહાજનના પરિવારમાં તેમની પત્ની અને સાત વર્ષનો પુત્ર છે. 1976માં ખેડૂત પરિવારમાં જન્મેલા યોગેશ કોઈપણ ગોડફાધર વગર ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યા હતા. તેણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
યોગેશ મહાજનનો વર્કફ્રન્ટ
આ દિવસોમાં યોગેશ મહાજન ટીવી શૉ 'શિવ શક્તિ- તપ ત્યાગ તાંડવ'માં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે 'અદાલત', 'જય શ્રી કૃષ્ણ', 'ચક્રવર્તી અશોક સમ્રાટ' અને 'દેવો કે દેવ મહાદેવ' જેવા શૉમાં કામ કર્યું છે. યોગેશ મહાજન મરાઠી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે 'મુંબઈના શહાણે' અને 'સમસારાચી માયા' જેવી મરાઠી ફિલ્મોમાં કામ કરીને ઘણી ખ્યાતિ મેળવી હતી.