તૃપ્તિ પાંચ લાખ લીધા બાદ ઈવેન્ટમાં હાજર ન રહેતા તેનું પોસ્ટર કાળું કરાયું
- જયપુરની મહિલાઓના કાર્યક્રમ બાબતે હોબાળો
- પોતે આવી કોઈ ઈવેન્ટમાં હાજરીનું કમીટમેન્ટ આપ્યા કે પૈસા સ્વીકાર્યાનો તૃપ્તિનો ઈનકાર
મુંબઈ : તૃપ્તિ ડિમરી એક નવા વિવાદમાં ફસાઈ છે. તે જયપુરમાં મહિલા ઉદ્યોગ સાહસિકોના એક કાર્યક્રમમાં હાજર રહેવાની હતી અને તેણે આ હાજરી માટે પાંચ લાખ રુપિયા સ્વીકાર્યા હતા પરંતુ બાદમાં કાર્યક્રમમાં નહીં પહોંચીને તેણે છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂકાયો છે. આયોજકોએ તૃપ્તિનું પોસ્ટર કાળું કર્યું હતું અને જયપુરમાં તેની ફિલ્મોનો બોયકોટ કરવાની હાકલ કરી હતી. જોકે, તૃપ્તિએ પોતે આવું કોઈ કમીટમેન્ટ આપ્યાનો ઈનકાર કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકો તૃપ્તિના પોસ્ટર પર કાળો રંગ લગાડતા નજરે ચઢે છે.
તૃપ્તિ મંગળવારે તેની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'ને પ્રમોટ કરવા માટે જયુપર ગઈ હતી. આયોજકોના આક્ષેપ અનુસાર આ જ દિવસે જયપુરમાં યોજાનારી મહિલા ઉદ્યોગ સાહસિકોની એક ઈવેન્ટમાં હાજરી આપવાનું તેણે વચન આપ્યું હતું અને એટેન્ડન્સ ફી તરીકે પાંચ લાખ રુપિયા પણ એડવાન્સમાં લીધા હતા. જોકે, છેલ્લી ઘડીએ તે ઈવેન્ટમાં આવી જ ન હતી. આયોજકોેએ તૃપ્તિ સામે કાનૂની દાવો માંડવાની ચિમકી પણ આપી છે.
જોકે, તૃપ્તિ તરફથી આ આક્ષેપોનો રદિયો અપાયો હતો. તેના તરફથી જારી કરાયેલાં એક સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે તે જયપુરમાં ફક્ત પોતાની ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી અને કોઈ ચોક્કસ ઈવેન્ટ કે વ્યક્તિગત કાર્યક્રમમાં હાજરી આપવાનું તેણે કોઈ કમીટમેન્ટ આપ્યું ન હતું. આવી કોઈ હાજરી માટે તેણે કોઈ પ્રકારની ફી પણ સ્વીકારી નથી.