ડાન્સની ટીકા થતાં તૃપ્તિ ડિમરી નારાજ, બધાને બધું ન આવડે
- મેરે મહેબૂબ સોંગના ડાન્સ સ્ટેપ્સ માટે ટ્રોલ થઈ
- હું એક એક્ટર છું અને મારે નવું નવું અજમાવતા રહેવું પડે, ટ્રોલિંગની મને પરવા નથી
મુંબઈ : તૃપ્તિ ડિમરીની આગામી ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'નું 'મેરે મહેબૂબ' સોંગ રીલિઝ થયા બાદ તેમાં તેના ડાન્સ સ્ટેપ્સની ભારે ટીકા થઈ છે. લોકો એમ કહી રહ્યા છે કે તૃપ્તિ આ પ્રકારના આઈટમ સોંગ્સ માટે યોગ્ય નથી અને તેણે આવાં સોંગ્સ નોરા ફતેહી કે તમન્ના ભાટિયા માટે જ છોડી દેવા જોઈએ. આ ટ્રોલિંગથી તૃપ્તિ ભારે નારાજ થઈ છે અને તેણે કહ્યું છે કે બધાને બધું આવડે એ જરુરી નથી. પરંતુ, મારે એક્ટર તરીકે નવું નવું અજમાવતા તો રહેવુ જ પડે.
તૃપ્તિએ કહ્યું હતું કે મને કોઈ શો ઓફર થાય તો મારે યોગ્ય રીતે સ્ટેજ વોક કરવાનું શીખવું પડે. એ રીતે મને ડાન્સ સોંગ કરવાનું કહેવામાં આવે તો મારે ડાન્સ પણ કરવો પડે. એક એક્ટર તરીક મારે સતત નવી ચીજો કરતા જ રહેવી પડે. બધાને બધું એકદમ પરફેક્ટ આવડે તે જરુરી નથી. ક્યારેક કોઈ સારું કામ કરે, ક્યારેક કોઈને કોઈ બાબત ન પણ ફાવે તે સ્વાભાવિક છે.
તૃપ્તિએ કહ્યુ હતું કે મેં ભૂતકાળમાં ક્યારેય આ પ્રકારનાં ડાન્સ સોંગ કર્યાં નથી. આ મારો પહેલો અનુભવ હતો. તેના માટે આ પ્રકારનું ટ્રોલિંગ થશે તેની મને કલ્પના ન હતી. પરંતુ, કોઈ કશુંક નવું અજમાવે અને તે માટે ટ્રોલ થાય તેવું પહેલીવાર બન્યું નથી. ઘણા લોકો આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છે.
લોકો કોઈ વાતની ટીકા કરે એટલે આપણે પ્રયોગો કરવાનું બંધ કરી દેવાનું તેવું શક્ય નથી.
તૃપ્તિના આ ડાન્સ સોંગની ટીકા કરનારા કહે છે કે તેની દેહરચના આ પ્રકારના લટકાઝટકા કરી શકે તેમ જ નથી. તેની મુવમેન્ટ બહુ સ્મૂધ નથી. તૃપ્તિ બહુ સારી એકટ્રેસ છે. તેણે પોતાની એક્ટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.