ભાઈ-બહેનના સ્નેહપૂર્ણ સંબંધ ધરાવતી રક્ષા બંધન પર જોવા જેવી ટોપ 10 મનોરંજક ફિલ્મો
Image Envato |
Raksha Bandhan 2024: હિન્દી ફિલ્મોમાં ભારતીય તહેવારોને હંમેશથી સરસ રીતે રજૂ કરવામાં આવતા રહ્યા છે. લગ્નથી લઈને પૂજા અને દિવાળીથી લઈને હોળી જેવા તહેવારો પર ગીતો સર્જાયા છે અને યાદગાર દૃશ્યો પણ કંડારાયા છે. ભાઈ-બહેનનો ગરિમાપૂર્ણ સ્નેહ દર્શાવતી ફિલ્મો પણ બોલિવુડમાં બહુ બની છે. આજે ‘રક્ષા બંધન’ના પર્વ નિમિત્તે ચાલો જાણીએ બોલિવૂડની એ ઉત્તમ ફિલ્મો વિશે જેમાં ભાઈ-બહેનનો સંબંધ ઉમદા રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અસલ સુરતીઓનો બળેવ ઉજવણીનો ટ્રેન્ડ 86 વર્ષે પણ યથાવત : વાસી બળેવ ઉજવશે
1. ડ્રગ્સની બદીની રોમાંચક રજૂઆત – ‘હરે રામા હરે ક્રિષ્ના’ (1971)
બાળપણમાં છૂટી પડી ગયેલી બહેન જસ્બીર (ઝીનત અમાન)ની ખોજમાં યુવા વયે નીકળેલા ભાઈ પ્રશાંત (દેવ આનંદ) ને બહેન મળે તો છે પણ ડ્રગ્સના દૂષણમાં સપડાયેલી અવસ્થામાં. કઈ રીતે ભાઈ બહેનને નશાની લતમાંથી મુક્ત કરાવે છે એની રોમાંચક રજૂઆત હતી દેવ આનંદ દિગ્દર્શિત-નિર્મિત આ ફિલ્મમાં. ફિલ્મમાં આર.ડી. બર્મનનું સુપરહિટ સંગીત હતું અને ‘દમ મારો દમ’ જેવા આઇકોનિક સોંગ સહિત તમામ ગીતો જાણીતા બન્યા હતા. ભાઈ-બહેનના સંબંધની દોરી કેટલી નાજુક હોય છે એ દર્શાવતી આ ફિલ્મે બૉક્સઑફિસ પર તરખાટ મચાવ્યો હતો.
2. રામાયણનો આધુનિક અવતાર – ‘હમ સાથ સાથ હૈ’ (1999)
‘હમ આપકે હૈ કૌન’ની ઓલટાઇમ બ્લોકબસ્ટર સફળતા પછી આવેલી રાજશ્રી ફિલ્મસની આ પ્રસ્તુતિના કથાનકનું મૂળ રામાયણમાં હતું, પણ એમાં ત્રણ ભાઈઓ સલમાન ખાન, સૈફ અલી ખાન અને મોહનિસ બહેલના એમની એકમાત્ર બહેન નીલમ સાથેના સંબંધ સુપેરે રજૂ કરવામાં આવ્યા હતા. પારિવારિક મૂલ્યો લઈને આવેલી આ મનોરંજન ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ જેવી સફળતા તો નહોતી મેળવી શકી, છતાં હિટ તો ગણાઈ જ હતી. સપરિવાર જોઈ શકાય એવી સંગીતમય ફિલ્મ છે ‘હમ સાથ સાથ હૈ’.
3. આતંકવાદી બની ગયેલા ભાઈની વહારે જતી બહેન – ‘ફિઝા’ (2000)
1993ના મુંબઈ રમખાણો દરમિયાન ગુમ થઈ ગયેલા ભાઈ અમાન (હ્રિતિક રોશન)ને શોધવા નીકળેલી બહેન ફિઝા (કરિશ્મા કપૂર)ને જાણ થાય છે કે છ વર્ષ પૂર્વે છૂટો પડી ગયેલો ભાઈ આતંકવાદી બની ગયો છે. ભાઈની ઘરવાપસી માટે જંગે ચડેલી બહેનની ભૂમિકામાં કરિશ્મા કપૂરે એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું. ફિલ્મમાં જયા બચ્ચનનો પણ મહત્ત્વનો રોલ હતો. ખાલિદ મહોમ્મદ નિર્દેશિત આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ થઈ હતી. ફિલ્મના ગીતો પણ હિટ હતા.
4. સંઘર્ષરત ક્રિકેટરની કહાની – ‘ઈકબાલ’ (2005)
નાગેશ કુકનૂર નિર્દેશિત ‘ઈકબાલ’ કહાની છે ગામડાના મૂક-બધિર યુવા ઇકબાલ (શ્રેયસ તલપડે)ની જે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરતો હોય છે. ઇકબાલને હર-કદમ ટેકો પૂરો પાડતી હોય છે એની બહેન ખદિજા (શ્વેતા પ્રસાદ બાસુ). ઇકબાલના કોચની ભૂમિકા નસિરુદ્દિન શાહે ભજવી હતી. વિવેચકો એ બહુ વખાણેલી આ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ જીત્યો હતો. ફિલ્મમાં ભાઈ-બહેન વચ્ચે વિશ્વાસ અને સમજણનું ઉમદા ચિત્રણ થયું હતું.
5. દુશ્મન દેશમાં કેદ ભાઈની મુક્તિ માટે બહેનનો સંઘર્ષ – ‘સરબજીત’ (2016)
ભારતના નાગરિક સરબજીત સિંહને જાસૂસ હોવાના આરોપ સર પાકિસ્તાનમાં 20 વર્ષ સુધી જેલમાં કેદ રાખવામાં આવ્યો હતો. એને મુક્ત કરાવવા માટે એની બહેન દલબિર કૌરએ એની આખી જિંદગી ઘસી નાંખી હતી. એ સત્યઘટના પર આધારિત છે ફિલ્મ ‘સરબજીત’. ફિલ્મમાં રણદીપ હૂડા અને એશ્વર્યા રાય ભાઈ-બહેન બન્યા હતા અને બંનેએ એમની ભૂમિકામાં પ્રાણ રેડી દીધા હતા. ઓમુંગ કુમાર દ્વારા દિગ્દર્શિત આ હાર્ડહિટિંગ બાયોપિકમાં ભાઈ-બહેન વચ્ચેનો સ્નેહ બહુ ઊંડાણપૂર્વક દર્શાવાયો હતો.
6. બહેનોના લગ્ન બાબતે ચિંતિત ભાઈની કથા - ‘રક્ષા બંધન’ (2022)
લાલા કેદારનાથ (અક્ષય કુમાર)ની પાંચ નાની બહેનો છે. પોતે લગ્નબંધનમાં બંધાય એ પહેલાં બહેનોના હાથ પીળા કરી દેવા ઈચ્છતા ભાઈને કેવી-કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે, એની કથા છે ‘રક્ષા બંધન’માં. આનંદ એલ. રાય દ્વારા નિર્દેશિત આ પારિવારિક ફિલ્મ અક્ષય કુમાર જેવા મેગા સ્ટારની હાજરી છતાં બોક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ નહોતી કરી શકી, છતાં એમાં બતાવેલા ભાઈ-બહેનના ખાટામીઠા સંબંધોને કારણે વન ટાઇમ વોચ તો ખરી.
7. ચેમ્પિયન રનરની જીવની - ‘ભાગ મિલ્ખા ભાગ’ (2013)
ભારતના લેજેન્ડરી રનર મિલ્ખા સિંહના જીવન પરથી બનેલી આ ફિલ્મમાં મિલ્ખા સિંહ અને એની બહેન ઇસરી કૌર (દિવ્યા દત્તા) વચ્ચે હૃદયસ્પર્શી સંબંધ દર્શાવાયો હતો. રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે વિવેચકોના ભરપૂર વખાણ પણ મેળવ્યા હતા અને બોક્સ ઑફિસ પર પણ ધૂમ કમાણી કરી હતી. નેશનલ એવોર્ડ સહિત આ ફિલ્મે ઢગલાબંધ એવોર્ડ્સ જીત્યા હતા. ભારતમાં બનેલી સર્વોત્તમ બાયોપિક પૈકીની એક એટલે ‘ભાગ મિલ્ખા ભાગ’.
8. કૌટુંબિક સમસ્યાઓમાં પીસાતા ભાઈ-બહેનની મૂંઝવણ - ‘દિલ ધડકને દો’ (2015)
ધનવાન મહેરા પરિવાર એમના સગાં અને મિત્રો સંગે દસ દિવસના ક્રૂઝ પર ફરવા જાય છે અને પ્રવાસ દરમિયાન એ પરિવારની આંતરિક સમસ્યાઓ છતી થાય છે, એવી વાર્તા લઈને આવેલી ઝોયા અખ્તર દિગ્દર્શિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહે ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. મલ્ટિસ્ટારર એવી આ ફિલ્મે બોક્સ ઑફિસ પર તગડી કમાણી કરી હતી. ફિલ્મમાં ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ અત્યંત સાહજીકતાથી દેખાડવામાં આવ્યો હતો.
9. એચ.આઈ.વી. પોઝિટિવ ભાઈ માટે સમાજ સામે લડતી બહેન - ‘માઈ બ્રધર… નિખિલ’ (2005)
ગોવાના નાગરિક ડોમિનિક ડિસોઝાને એચ.આઈ.વી.નો ચેપ લાગ્યો હોવાનું સાબિત થયા બાદ એમણે પ્રશાસન તરફથી ખૂબ બધી યાતનાઓ વેઠવી પડી હતી. 1980ના દાયકામાં બનેલી આ સત્યઘટનાને આધારે બની હતી ફિલ્મ ‘માઈ બ્રધર… નિખિલ’, જેમાં સંજય સૂરીએ સમલૈંગિક યુવા સ્વિમરનું અને જૂહી ચાવલાએ ભાઈના હક માટે લડત આપતી શિક્ષિકા બહેનનું પાત્ર ભજવ્યું હતું. વૈશ્વિક સ્તરે વખણાયેલી આ ફિલ્મમાં ભાઈ-બહેન વચ્ચેની સમજણ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ છે.
10. મસ્તીથી જીવતાં ભાઈ-બહેનની કથા - ‘જોશ’ (2000)
1980ના ગોવામાં આકાર લેતી આ ફિલ્મમાં એકમેક સાથે ટકરાતી બે ગુંડાગેંગ દર્શાવાઈ હતી. મન્સૂર ખાન દિગ્દર્શિત આ એક્શનપેક્ડ ફિલ્મમાં શાહરૂખ ખાન અને એશ્વર્યા રાય જોડિયા ભાઈ-બહેન બન્યા હતા. અનુ મલિક દ્વારા સ્વરબદ્ધ ગીતો અને ફિલ્મ બંને સફળ થયા હતા. કોઈપણ પ્રકારના ટેન્શન વિના ભાઈ-બહેન વચ્ચેની હળવીફૂલ કેમેસ્ટ્રી જોવી હોય તો આ ફિલ્મ સરસ પસંદગી બની શકે એમ છે.
તો, રક્ષા બંધનના તહેવાર નિમિત્તે તમે આમાંની કઈ ફિલ્મ જોવા ઈચ્છો છો?