મારા પર ઘણું દેવું થઈ ગયું છે...' TMKOCના રોશન સોઢીનું દર્દ છલકાયું, હોસ્પિટલથી રજા મળી
Actor Gurucharan Singh: સોની ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે. આ સીરિયલમાં કામ કરનારા મોટા ભાગના કલાકારોને તેમના શો ના નામ પરથી જ ઓળખવામાં આવે છે. હાલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ ચર્ચામાં છે. શરીરની કમજોરીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ એવી જાણકારી સામે આવી હતી કે, તેમના પર ઘણું દેવું થઈ ગયું છે. આખરે હવે એક્ટરે પોતાના સ્વાસ્થ્યથી લઈને નાણાકીય સમસ્યા પર ખુલીને વાત કરી છે.
ગુરુચરણ સિંહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શરે કરી છે. તેમાં તેમણે પોતાનું હેલ્થ અપડેટ આપતા પોતે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હોવાની માહિતી આપી છે. વીડિયોમાં તેમણે ભગવાન અને ચાહકોનો આભાર માન્યો અને તેમણે છેલ્લા થોડા વર્ષોના પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું છે.
ગુરુચરણ સિંહે ચાહકોને હેલ્થ અપડેટ આપ્યું
તારક મહેતામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનારા અભિનેતાએ વીડિયોમાં કહ્યું કે, 'મિત્રો હું હવે ઘરે છું અને ઠીક છું. ગુરુજીની કૃપાથી મારું સ્વાસ્થ્ય સારું છે. હવે મારી એક જ ઈચ્છા છે કે, હું ફરીથી મારા પગ પર ઊભો રહી શકું. મેં પહેલા પણ બધાને કહ્યું હતું કે, હું પૂરા દિલથી કામ કરવા માંગુ છું અને અત્યારે પણ હું સખત મહેનત કરીને પૈસા કમાવવા માંગુ છું. તમારા સહયોગથી આ પણ શક્ય બની જશે.
આ પણ વાંચો: તારક મહેતાના 'સોઢી' ઉર્ફ ગુરૂચરણ સિંહની તબિયત બગડી, હોસ્પિટલથી શેર કર્યો વીડિયો
રોશન સોઢીનું દર્દ છલકાયું
ગુરચરણ સિંહે પોતાની વાત પૂરી કરતા આગળ કહ્યું કે, 'તમે બધા મારી આર્થિક સ્થિતિ સમજો છો. મારા માથે ઘણું દેવું છે, જે બધું મારે ચૂકવવાનું છે. આ બધું ફક્ત વાહે ગુરુજીની કૃપાથી જ થશે. તેના માટે તમારા બધાના સમર્થન અને આશીર્વાદની જરૂર છે.
આ પણ વાંચો: પિતા પાસે 55 કરોડની સંપત્તિ છતાં દેવું નથી ચૂકવી શકતો ગુરુચરણ સિંહ, મિત્રએ વર્ણવી વ્યથા
અભિનેતાની હાલત જોઈને ચાહકો ખૂબ જ દુઃખી છે. તેની પોસ્ટની કોમેન્ટમાં ચાહકો તેને હિંમત આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા ગુરચરણે તેમના પિતાની તબિયત ખરાબ હોવાને કારણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો.
અભિનેતા પર લાખો-કરોડોનું દેવું
ગુરચરણ સિંહને શરીરમાં કમજોરીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને એ દિવસને પોતાના મૃત્યુનો દિવસ પણ ગણાવી દીધો હતો. જોકે, હવે તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે પરંતુ હજું પણ તેમના માથે લાખો-કરોડોનું દેવું છે.