ટિશાનું મોત કેન્સરથી નહિ તબીબી બેદરકારીથી થયાનો માતાનો દાવો
- ભૂષણ કુમારની કઝિનના મોતમાં નવો ખુલાસો
- 20 વર્ષની ટિશાને વેક્સિનની આડઅસર થઈ, મેડિકલ ટ્રેપમાં ફસાઈઃ બ્લેક મેજિકની પણ શંકા
મુંબઇ : ટી સીરીઝના માલિક ભૂષણ કુમારની કઝિન ટિશા કુમારનું પાંચ મહિના પહેલાં નિધન થયું હતું. તે વખતે એવા અહેવાલો પ્રગટ થયા હતા કે ટિશાને કેન્સર થયું હતું. પરંતુ, હવે તેની માતા તાન્યાએ દાવો કર્યો છે કે ટિશાનું મોત કેન્સર નહિ પરંતુ તબીબી બેદરકારીથી થયું છે. ટિશાની બીમારી માટે બ્લેક મેજિક પણ કારણભૂત હોઈ શકે છે તેવી તેમણે શંકા વ્યક્ત કરતાં ખળભળાટ મચી ગયો છે.
ટી સીરિઝના સ્થાપક ગુલશન કુમારના ભાઈ અને ફિલ્મ નિર્માતા કિશન કુમારની પત્ની તાન્યાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તેમની દીકરી ટિશાને એક વેક્સિન અપાઈ હતી. તે પછી કદાચ તેને કોઈ ઓટો ઈમ્યૂન ડીસીઝ થઈ હતી. પરંતુ, ડોક્ટરો તે પારખવામાં થાપ ખાઈ ગયા હતા. અમે એક મેડિકલ ટ્રેપમાં ફસાઈ ગયા હતા અને કોઈને કંઈ ખ્યાલ આવે તે પહેલાં બહુ મોડું થઈ ગયું હતું.
તાન્યા સિંહે બ્લેક મેજિકનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે કોઈ માને કે ન માને પરંતુ બ્લેકમેજિક કે ખરાબ નજર લાગવા જેવું હોય છે અને ક્યારેક તો સત્ય સામે આવે જ છે.
તાન્યા સિંહના દાવા અનુસાર ટિશાને શરુઆતથી કેન્સર હતું જ નહિ. તેણે લોકોને જણાવ્યું છે કે લિમ્ફ નોડ્સ બોડીના ડિફેન્સ ગાર્ડ છે અને તેના પર ઇમોશનલ ટ્રોમાના કારણે સોજો આવી શકે છે. અથવા તો કોઇ ઇન્ફેકશનનો યોગ્ય રીતે ઇલાજ ન થયો હોય તો પણ સોજો આવી શકે છે. આવા સમયમાં બોનમેરો ટેસ્ટ અથવા તો બાયોપ્સી કરવાતા પહેલા બે-ત્રણ જગ્યાએ ચેકઅપ કરાવવું અનેસલાહ લેવી જરૂરી છે.