તિરુપતિ લાડુ વિવાદ પર બે દિગ્ગજ એક્ટર આમને-સામને, પવન કલ્યાણે સનાતન ધર્મ અંગે પ્રકાશ રાજને આપ્યો જવાબ
Tirupati Laddu Controversy: તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં ભેળસેળનો વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ તિરુપતિ લાડુ વિવાદ પર બે દિગ્ગજ એક્ટરો આમને-સામને આવી ગયા છે અને તેમની વચ્ચે શબ્દ યુદ્ધ છેડાઈ ગયું છે. વાત એમ છે કે, તિરુપતિ મંદિર પ્રસાદ મામલે 11 દિવસનું 'પ્રાયશ્ચિત' કરી રહેલા આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને એક્ટર પવન કલ્યાણની જાણીતા અભિનેતા પ્રકાશ રાજે ટિપ્પણી કરી છે.
સનાતન ધર્મ રક્ષા બોર્ડ બનાવવાની માગ
વાત એમ છે કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી, તો એક્ટર પ્રકાશ રાજે તેમની વાતોને ક્રિટિસાઈઝ કરી હતી. આ મુદ્દે પવન કલ્યાણે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
આ મામલો સામે આવ્યા બાદ પવન કલ્યાણે કહ્યું હતું કે હું આનાથી ખૂબ જ દુ:ખી છું. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું કે કદાચ હવે રાષ્ટ્રીય સ્તરે એક 'સનાતન ધર્મ રક્ષા બોર્ડ' બનાવવાનો સમય આવી ગયો છે જે સમગ્ર ભારતમાં મંદિરો સાથે સંબંધિત મુદ્દા પર નજર રાખશે.
પવન કલ્યાણની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજે પર લખ્યું કે, ‘ડિયર પવન આ ઘટના એ રાજ્યમાં બની છે જ્યાં તમે ડેપ્યુટી સીએમ છો. કૃપા કરીને તપાસ કરો, દોષીઓને શોધો અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. તમે આ મુદ્દાને સેન્સેશનલ કેમ બનાવી રહ્યા છો અને તેને રાષ્ટ્રીય સ્તરે કેમ મોટો બનાવવામા માગો છો? દેશમાં પહેલાથી જ ઘણો સાંપ્રદાયિક તણાવ (કેન્દ્રમાં બેઠેલા તમારા મિત્રોની કૃપાથી) છે.’
બિનસાંપ્રદાયિકતા પરસ્પર હોવી જોઈએઃ પવન કલ્યાણ
પ્રકાશ રાજની વાતનો જવાબ આપતા હવે પવન કલ્યાણે કહ્યું કે, ‘હું હિન્દુત્વની પવિત્રતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે બોલી રહ્યો છું. મારે આ મામલે કેમ ન બોલવું જોઈએ? હું તમારું સમ્માન કરું છું પ્રકાશ રાજ, અને વાત જ્યારે બિનસાંપ્રદાયિકતાની આવે છે તો તે પરસ્પર હોવી જોઈએ. મને નથી સમજાઈ રહ્યું કે, તમે મારી ટીકા કેમ કરી રહ્યા છો? શું હું સનાતન ધર્મ પર હુમલા અંગે ન બોલી શકું? તમારે કંઈક શીખવું જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કે કોઈએ પણ આ મુદ્દાને હળવાશથી ન લેવો જોઈએ. હું સનાતન ધર્મને લઈને ખૂબ જ ગંભીર છું.’
પવન કલ્યાણ આટલેથી ના અટક્યા. તેમણે કહ્યું કે, ‘મારા માટે સનાતન ધર્મ સૌથી મહત્ત્વની બાબત છે. આ મામલે તમામ હિન્દુએ જવાબદારી લેવી જોઈએ. જો કોઈ બીજા ધર્મમાં આવું થયું હોત તો મોટું આંદોલન થઈ ગયું હોત.’