લગ્નના 14 વર્ષ બાદ પતિ નારંગથી અલગ થઇ ઈશા કોપ્પીકર
નવી મુંબઇ,તા. 8 જાન્યુઆરી 2024, સોમવાર
લગ્નના 14 વર્ષ બાદ ઈશા કોપ્પીકર અને તેના પતિ ટીમી નારંગના અલગ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.અભિનેત્રી તેની 9 વર્ષની પુત્રી રિયાના સાથે શિફ્ટ થઈ છે. ટિમ્મીએ તાજેતરમાં એક ન્યૂઝ પોર્ટલ પર તેના છૂટાછેડાની પુષ્ટિ કરી હતી અને ઘણી ચોંકાવનારી બાબતો પણ જણાવી હતી.
ઈશા કોપ્પીકરે શેર કર્યું કે, તેઓ છૂટાછેડા માટે ફાઇલ કરવાનું નક્કી કરતા પહેલા દોઢ વર્ષથી છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા હતા. ટિમ્મીએ ખુલાસો કરતા કહ્યું કે,“ગયા વર્ષે નવેમ્બરમાં છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા હતા અને તે અમુક શરતો પર હતા. અમે બંને હવે અમારા જીવનમાં આગળ વધવા માટે સ્વતંત્ર છીએ, જે એક હકીકત છે. તેથી, મને દેખાતું નથી કે, શા માટે તેના વિશે કોઈ મૂંઝવણ હોવી જોઈએ.”
ઈશાએ 2009માં બિઝનેસમેન ટીમી નારંગ સાથે લગ્ન કર્યા હતા
બિઝનેસમેને એ પણ શેર કર્યું કે, અભિનેત્રીએ તેની પુત્રી સાથે તેનું ઘર છોડી દીધું છે. ઈશા કોપ્પીકર અને ટીમી નારંગની લવ સ્ટોરી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ કોમન ફ્રેન્ડ્સ દ્વારા એકબીજાને મળ્યા હતા. ધીમે-ધીમે તેમની દોસ્તી પ્રેમમાં બદલાઇ અને 2009માં તેઓએ લગ્ન કરી લીધા. આ કપલને 9 વર્ષની દીકરી પણ છે. જોકે હવે 14 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે.
ઈશાએ હિન્દી ફિલ્મોની સાથે સાઉથ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ડોન, 36 ચાઇના ટાઉન અને ક્રિષ્ના કોટેજ જેવી કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં જોવા મળી હતી. ઇશાની છેલ્લી રિલીઝ તમિલ ફિલ્મ અયલાન હતી. વર્ષ 2019માં ઈશાએ પણ રાજકારણમાં આવવાનું નક્કી કર્યું હતું. તેણે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં જોડાઈ અને હાલમાં મહિલા પરિવહન વિંગમાં ભાજપ પ્રમુખ તરીકે કામ કરી રહી છે.