100 Years Of Dev Anand: થિયેટર્સમાં દેવ આનંદની આ 4 ક્લાસિક ફિલ્મો ફરી બતાવાશે
Image Source: Wikipedia
મુંબઈ, તા. 11 સપ્ટેમ્બર 2023 સોમવાર
હિંદી સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો 26 સપ્ટેમ્બરે 100 મો જન્મદિવસ મનાવવાની તૈયારીઓ અલગ-અલગ શહેરોમાં અલગ સંગઠન અત્યારથી શરૂ કરી ચૂક્યા છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને આ જશ્ન માટે દેવ આનંદની અમુક ખાસ ફિલ્મોને થિયેટર્સમાં પ્રદર્શન કરવાનું આયોજન બનાવ્યુ છે. આ ફિલ્મો દેશના 30 શહેરોના 55 થિયેટર્સમાં દર્શાવવામાં આવશે.
26 સપ્ટેમ્બર 1923એ જન્મેલા દેવ આનંદના 100 મા જન્મદિવસના અવસરે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દેવ આનંદના ચાહકો માટે બ્લોકબસ્ટર ફેસ્ટિવલ 'દેવ આનંદ @100 ફોરએવર યંગ' નું આયોજન કરી રહ્યા છે. 23 અને 24 સપ્ટેમ્બરે થનારા આ ફેસ્ટિવલમાં પીવીઆર થિયેટર્સની સિરીઝ પણ ભાગીદારી કરી રહી છે. જાણકારી અનુસાર ફાઉન્ડેશને દેવ આનંદની ચાર ફિલ્મો સીઆઈડી (1956), ગાઈડ (1965), જ્વેલ થીફ (1967) અને જોની મેરા નામ (1970) ના નવા ડિજિટાઈઝ્ડ પ્રિન્ટ પૂણે સ્થિત ભારતીય ફિલ્મ સંગ્રહાલય પાસેથી આ સંબંધિત પ્રાપ્ત કર્યા છે.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન આ પહેલા હિંદી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને હિંદી સિનેમાના બુલંદ અભિનેતાઓ પૈકીના એક દિલીપ કુમારના સન્માનમાં ફેસ્ટિવલનું આયોજન કરી ચૂક્યા છે. જેમાં અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારના કરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મો બતાવવામાં આવી હતી.
ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક શિવેન્દ્ર સિંહ ડૂંગરપુર કહે છે કે આ મહોત્સવ ભારતીય સિનેમાના મહાન અભિનેતાઓને પડદા પર પાછા લાવવાનો એક ખાસ અવસર છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન આ સિદ્ધિના જશ્નને મનાવવા માટે થિયેટર્સમાં તેમની ફિલ્મોના ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા કરતા શ્રેષ્ઠ કોઈ અન્ય રીત વિચારી ન શકાય.
ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદની ફિલ્મોના મહોત્સવ દેવ આનંદ @ 100 ફોરએવર યંગ હેઠળ મુંબઈના પીવીઆર સિવાય દિલ્હી, કલકત્તા, બેંગલુરુ અને હૈદરાબાદથી લઈને અમદાવાદ, સુરત, વડોદરા, રાયપુર, કાનપુર, કોલ્હાપુર, પ્રયાગરાજ અને ઈન્દોર જેવા 30 શહેરોના થિયેટર્સમાં આ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.