મુન્નાભાઈ સીરિઝની ત્રીજી ફિલ્મનું દિગ્દર્શન ખુદ વિધુ વિનોદ ચોપરા કરશે
- રાજ કુમાર હિરાણી ત્રીજા ભાગના ડાયરેક્ટર નહિ
- 12 વી ફેઈલ ફિલ્મ સફળ થયા બાદ વિધુ વિનોદ ચોપરા વધુ એક ફિલ્મમાં જાતે દિગ્દર્શન માટે આતુર
મુંબઇ : સંજય દત્તની મુન્નાભાઈ સીરિઝની ત્રીજી ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર હિરાણી નહીં પણ વિધુ વિનોદ ચોપરા કરશે એમ જાણવા મળ્યું છે.
વિધુ વિનોદ ચોપરાએ વર્ષો પછી '૧૨ વી ફેઈલ ' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મ બહુ જ વખણાઈ હતી. તે પછી વિધુ વિનોદ ચોપરા વધુ એક ફિલ્મમાં નિર્દેશન પર હાથ અજમાવવા આતુર હોવાનું કહેવાય છે.
વિધુ વિનોદ ચોપરા ખુદ માને છે કે મુન્નાભાઈ સીરિઝની ફિલ્મો પર પહેલો અધિકારી રાજુ હિરાણીનો જ છે અને તેણે જ આ ફિલ્મનો ત્રીજો ભાગ હાથ ધરવો જોઈએ. જોકે, બદલાયેલા સંજોગોમાં ખુદ વિધુ વિનોદ આ ફિલ્મનું દિગ્દર્શન હાથ ધરી શકે છે.
'મુન્નાભાઇ એમબીબીએસ' નામની પહેલી ફિલ્મ ૨૦૦૩માં આવી હતી અને તેની બીજી ફ્રેન્ચાઇઝી 'લગે રહો મુન્નાભાઈ'૨૦૦૬માં રિલીઝ થઇ હતી. હવે ત્રીજી ફિલ્મની તૈયારીની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.