સલમાન અને ઐશ્વર્યા ગળે મળ્યાની વાતથી ચકચાર મચી
- સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
- સલમાન સૂરજ પંચોલીની બહેનને મળ્યો હતો પણ ચહેરો ઢંકાયેલો હોવાથી ઐશ્વર્યાની અફવા
મુંબઇ : સલમાન અને ઐશ્વર્યા રાય બંનેએ તાજેતરમાં મનિષ મલ્હોત્રાની એક પાર્ટી એટેન્ડ કરી હતી. તેમાં શરુઆતમાં એવા અહેવાલ આવ્યા હતા કે બંનેએ એકબીજા સાથે કોઈ વાત જ કરી ન હતી. પરંતુ, બાદમાં સલમાન ઐશ્વર્યા જેવા જ ડ્રેસ તથા હેર સ્ટાઈલ ધરાવતી યુવતીને ગળે મળી રહ્યો હોવાની તસવીરો વાયરલ થતાં સલમાન અને ઐશ્વર્યા એકબીજાને ગળે મળ્યાંની અફવા ફેલાઈ હતી.
આ તસવીરોમાં સલમાન જે યુવતીને ગળે મળ્યો હતો તેનો ચહેરો ઢંકાયેલો હતો. જોકે, તેનાં વસ્ત્રોનો રંગ તથા હેર સ્ટાઈલ ઐશ્વર્યા જેવાં જ હોવાથી લોકોએ ઐશ્વર્યાના તે પાટીમાં આગમનના ફોટા તથા આ ફોટાનો તાળો પોતાની રીતે મેળવી લઈ બંને જૂના પ્રેમીઓ વચ્ચે પેચ અપ થઈ ગયાની વાત ફેલાવી હતી.
જોકે, જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે વાસ્તવમાં એ યુવતી સૂરજ પંચોલીની બહેન સના હતી .સનાએ તે દિવસે ઐશ્વર્યા જેવા જ રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં અને તેવી જ હેર સ્ટાઈલ હતી. તેમાં આ છબરડો વળ્યો હતો.
સૂરજ પંચોલી સલમાનને પોતાનો મેન્ટર માને છે અને તેના અને સલમાનના બહુ આત્મીય સંબંધો છે. આથી, સલમાન અને સના ગળે મળ્યાં હતાં.
જોકે, આ અફવાને લીધે ઈન્ટરનેટ પર જાતજાતની કોમેન્ટસ પણ થઈ હતી. કોઈએ લખ્યું હતું કે હવે સંજય લીલા ભણશાળીએ હમ દિલ દે ચૂકે સનમ પાર્ટ ટૂ બનાવવાનો સમય આવી ગયો છે.