VIDEO: કાચબા અને સસલા વચ્ચે યોજાઈ સાચુકલી રેસ, જુઓ કોણ જીત્યું...
Rabbit and Turtle Viral Video: બાળપણમાં ભણાવવામાં આવતી કાચબા અને સસલાની વાર્તા તો તમને યાદ જ હશે. જેમાં કાચબા અને સસલા વચ્ચે રેસ થાય છે અને સસલો તેના અતિ અભિમાનમાં રેસ હારી જાય છે જ્યારે કાચબો વિજેતા બની જાય છે. તાજેતરમાં આ વાર્તા સાચી પુરવાર થઈ છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાચબા અને સસલા વચ્ચે રેસ થાય છે. આ વાયરલ વીડિયોની સૌથી મનોરંજક વાત એ છે કે આ રેસમાં પણ સસલો વાર્તાની જેમ હારી જાય છે અને કાચબો રેસ જીતી જાય છે.
કાચબા અને સસલા વચ્ચે રેસ યોજાઈ
આ વાર્તા આપણને એ માટે ભણાવવામાં આવતી હતી કે જેથી આપણે જીવનમાં સતત પરિશ્રમ કરવા માટે પ્રેરિત થઈએ અને પોતાની આવડત પર ક્યારેય અભિમાન ન કરીએ. વાયરલ વીડિયોમાં દેખાઈ આવે છે કે, કેટલાક લોકો કાચબા અને સસલા વચ્ચે રેસ કરાવે છે. આ રેસમાં સસલું પહેલા ઝડપથી દોડતું દેખાય છે પરંતુ થોડેક આગળ જઈ તે અટકી જાય છે, જ્યારે કાચબો પોતાની ધીમી ગતીએ સતત ચાલે છે. આ દરમિયાન એક મહિલા સસલાને દોડવા પ્રેરિત પણ કરે છે પરંતુ તે થોડુંક આગળ વધી ફરી અટકી જાય છે, જ્યારે બીજી બાજુ કાચબો તેની ધીમી ગતીથી ચાલીને રેસ પૂર્ણ કરી લે છે. વાર્તામાં જે પરિસ્થિતિ બતાવવામાં આવી હતી તે જ સ્થિતિ આ વાયરલ વીડિયોમાં દેખાય છે.
આ પણ વાંચોઃ 'લગ્ન પહેલાં ફિઝિકલ રિલેશન..' જાણીતી એક્ટ્રેસે ખુશખુશાલ લગ્નજીવન અંગે આપી સલાહ
લોકોએ પ્રતિક્રિયા આપી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝરે આ વીડિયો શેર કર્યો છે. કૅપ્શનમાં તેણે લખ્યું કે, 'સસલા અને કાચબા વચ્ચેની વાર્તા વાસ્તવિક જીવનમાં તપાસવામાં આવી.' આ વીડિયો પર 1.7 કરોડથી વધુ વ્યુઝ આવ્યા છે અને 1.80 લાખથી વધુ લાઇક મળી છે. કમેન્ટ સેક્શનમાં એક યુઝરે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે, આ વાર્તા સાચી છે, કોઈ કલ્પના નથી. જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, લાગે છે કે વાર્તા લખનારે પહેલા જ કાચબા અને સસલા વચ્ચે રેસ કરાવી પરિણામ જોઈ લીધું હતું. આ ઉપરાંત અન્ય ઘણાં યુઝર્સ આ વીડિયો પર જાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીની દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી