વેલકમ ટૂના બાકી પેમેન્ટ મુદ્દે વેલકમ ટૂ ધી જંગલનું શૂટિંગ અટકાવાયું
- વેલકમ ટૂના બે કરોડથી વધુ બાકી છે
મુંબઇ : અક્ષય કુમાર, દિશા પટાણી, જેક્લિન ફર્નાન્ડિઝ સહિતના કલાકારો ધરાવતી 'વેલકમ ટૂ ધી જંગલ' ફિલ્મનું શૂટિંગ ફિલ્મ જગતના કલાકારો અને કસબીઓના અનેક સંગઠનોનાં બનેલાં એસોસિએશન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ફ્રેન્ચાઈઝીની આગલી ફિલ્મ 'વેલકમ ટૂ'ના ટેકનિશિયન્સને હજુ બે કરોડ રુપિયાની રકમ ચૂકવાઈ નથી. તે મુદ્દે ફેડરેશન દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાળા સામે અસહકારનું શસ્ત્ર ફેડરેશન દ્વારા ઉગામવામાં આવ્યું છે. નિર્માતા આગલું પેમેન્ટ ક્લિયર ન કરે ત્યાં સુધી કોઈ ટેકનિશિયન કે અન્ય કોઈ કસબી, ટેકનિકલ પર્સને પણ શૂટિંગમાં ભાગ ન લેવો તેવું જણાવાયું છે. જોકે, આ મુદ્દે નિર્માતા તરફથી કોઈ પ્રતિભાવ જાણવામાં આવ્યો નથી. ફેડરેશને અક્ષય કુમાર, દિશા પટાણી સહિતના કલાકારોને પણ કહ્યું છે કે તેઓ આગલી ફિલ્મના ટેકનિશિયન્સને બાકી પેમેન્ટ ચૂકવાઈ ગયું છે કે નહિ તે કન્ફર્મ કર્યા બાદ જ શૂટિંગ આગળ વધારે.
'વેલકમ ટૂ ધી જંગલ' ફિલ્મ શરુ થઈ ત્યારથી અનેક વિવાદોમાં ઘેરાઈ છે. અનિલ કપૂર તથા નાના પાટેકરની બાદબાકી, સ્ક્રિપ્ટમાં ફેરફારો તથા બીજા અનેક વિવાદો આ ફિલ્મને નડી ચૂક્યા છે.