કોશ્ચ્યુમમાં વેઠ ઉતરતાં રામાયણનું શૂટિંગ પાછું ઠેલાઈ ગયું
- મુખ્ય પાત્રોના કોશ્ચ્યુમમાં જ કોઈ ભલીવાર નહીં
- લૂક ટેસ્ટ વખતે જ ખ્યાલ આવ્યો કે ભાંગરો વટાયો છે, હવે નવા ડિઝાઈનર્સને ઓર્ડર અપાયા
મુંબઈ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'માં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. ફિલ્મના મુખ્ય પાત્રોના કોશ્યુમ બનાવવામાં વેઠ ઉતરતાં ફિલ્મનું શૂટિંગ આશરે એક મહિના માટે પાછું ઠેલવું પડયં છે.
ફિલ્મનું શૂટિંગ આ મહિને ચાલુ થવાનું હતું. જોકે, જ્યારે કોશ્ચ્યુમ તૈયાર થઈને આવ્યા તે પછી કેટલાક કલાકારોનો લૂક ટેસ્ટ લેવાયો ત્યારે ખ્યાલ આવ્યો હતો કે કોશ્યુમ તૈયાર કરનારે નરી વેઠ ઉતારી છે.
ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સર્જક નિતેશ તિવારી આ ફિલ્મને એકદમ ભવ્ય અને ક્લાસિક બનાવવા માગે છે. પરંતુ, જે પ્રકારના કોશ્ચ્યુમ બનીને આવ્યા તેમાં સર્જકના વિઝન સાથે મેળ ખાતું હોય તેવું કશું જ ન હતું. આથી, તેમણે આ કોશ્ચ્યુમ રદ કર્યા હતા.
હવે પૌરાણિક ફિલ્મોનું કામ કરી ચૂક્યા હોય તેવા કેટલાક અનુભવી ડિઝાઈનર્સને ઓર્ડર આપવામાં આવ્યો છે. જોકે, આ બધી જંજાળને લીધે ફિલ્મનું શૂટિંગ હવે કદાચ ાવતા મહિને શરુ થાય તેવી સંભાવના છે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ તથા સાઈપલ્લવી સીતા માતાની ભૂમિકામાં છે. સની દેઓલ હનુમાનજીની ભૂમિકા ભજવશે જ્યારે રાવણના રોલ માટે સાઉથના એક્ટર યશને સિલેક્ટ કરાયો છે. ફિલ્મ ત્રણ ભાગમાં બનવાની છે અને પહેલા ભાગમાં તો સીતાહરણ સુધીની જ કથા દર્શાવાશે એવા અહેવાલો છે.