કૃતિ સેનનની મીનાકુમારીના બાયોપિકનું શૂટિંગ ફરી ઠેલાયું
- એક વર્ષથી શૂટિંગનું મુહૂર્ત નીકળતું નથી
- દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ બનાવી રહેલો મનિષ મલ્હોત્રા સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નથી
મુંબઈ : વિતેલા જમાનાની અભિનેત્રી મીના કુમારીની બાયોપિકનું શૂટિંગ વધુ પાછળ ઠેલાઈ ગયું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન મીના કુમારીની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મનું શૂટિંગ મૂળ તો ઓક્ટોબર ૨૦૨૩માં જ શરુ થઈ જવાનું હતું. પરંતુ, કેટલાયં કારણોસર તેમાં સતત વિલંબ થતો રહે છે. હવે છેક ૨૦૨૫માં જ શૂટિંગ શરુ થઈ શકે તેવી ધારણા છે.
કોશ્ચ્યુમ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા આ ફિલ્મથી ફિલ્મ દિગ્દર્શનમાં ઝંપલાવી રહ્યો છે. કથિત રીતે તે હજુ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટથી સંતુષ્ટ નથી. તેણે સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો સૂચવ્યા છે. તેના કારણે હવે સમગ્ર શિડયૂલ જ વધુ એક વાર પાછળ ધકેલાઈ ગયું છે.
અગાઉ આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારે મીના કુમારીના પતિ સ્વ. કમાલ અમરોહીની પરિવારે શરુઆતમાં વાંધો ઉઠાવ્યો હતો. જોકે, બાદમાં તેમણે પોતાનો વાંધો પાછો ખેંચ્યો હતો. પરંતુ, આ વિવાદમાં ફિલ્મ વધુ ઠેલાઈ ગઈ હતી.
કૃતિ સેનન લાંબા સમયથી મીના કુમારીનું પાત્ર ભજવવા માટે તૈયારીઓ કરી રહી છે. તેણે મીના કુમારીની મોટાભાગની ફિલ્મો પણ જોઈ નાખી છે.