બૈજુ બાવરા ફિલ્મ માટે હીરામંડી સીરીઝનો સેટ જ ઉપયોગમાં લેવાશે
મુંબઇ: સંજય લીલા ભણશાળીએ તેમની 'હીરા મંડી' વેબ સીરીઝના સેટની ડિઝાઈનમાં થોડો ફેરફાર કરી ત્યાં જ 'બૈજુ બાવરા' ફિલ્મનું શૂટિંગ કરવાનું નક્કી કર્યું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો છે. ભણશાળી હાલ મનિષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતી રાવ હૈદરી, રિચા ચઢ્ઢા તથા સંજીદા શેખ સહિતની હિરોઈનો સાથે બની રહેલી 'હીરામંડી'ને આખરી ઓપ આપી રહ્યા છે. હજુ આ વેબ સીરીઝ માટે બે ગીતોનું શૂટિંગ બાકી હોવાનું કહેવાય છે. તે પછી તેઓ વેબ સીરીઝ માટે તૈયાર કરાયેલા સેટને સંપૂર્ણ નહીં તોડી પાડે પરંતુ તેની ડિઝાઈનમાં કેટલાક ફેરફારો કરશે. 'હીરામંડી' એક ચોક્કસ યુગની કથા કહેતી વેબ સીરીઝ છે. તે જ રીતે 'બૈજુ બાવરા'માં પણ એક ચોક્કસ ઐતિહાસિક કાળ આવરી લેવામાં આવશે.
આ ફિલ્મમાં રણવીર તથા આલિયાને પસંદ કરાયાં હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતે હજુ કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થાય અને ફિલ્મ આવતાં વર્ષે રીલીઝ કરાય તેવી સંભાવના છે.
થોડા સમય પહેલાં અહેવાલો હતા કે બોલીવૂડમાં એક પછી એક બિગ બજેટ ફિલ્મો નિષ્ફળ જઈ રહી હોવાથી સંજય લીલા ભણશાળીને 'બૈજુ બાવરા' માટે ફાઈનાન્સ મેળવવામાં તકલીફ પડી રહી છે.