તબુની ચાંદની બારની 23 વર્ષ બાદ સિક્વલ આવશે
- ફિલ્મમાં તબુની ભૂમિકા હશે કે કેમ તે અંગે અટકળો
- મધુર ભંડારકરને બદલે મૂળ ફિલ્મના લેખક મોહન આઝાદ દિગ્દર્શન કરશે
મુંબઇ : તબુની ફિલમ 'ચાંદની બાર' સિકવલ ૨૩ વર્ષ બાદ બની રહી છે. જોકે, ફિલ્મમાં તબુની કોઈ ભૂમિકા હશે કે કેમ તે હજુ નક્કી થયું નથી. ફિલ્મનું દિગ્દર્શન પણ મધુર ભંડારકરને બદલે મૂળ ફિલ્મના લેખક મોહન આઝાદ કરવાના છે.
મુંબઈની બાર ગર્લ્સ પરની આ ફિલ્મ તે સમયે ભારે હિટ થઈ હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તબુ અને મધુર ભંડારકર બંનેની કારકિર્દી માટે આ બહુ મહત્વની ફિલ્મ ગણાય છે.
જોકે, હવે તબુ અને મધુર ભંડારકરની સામેલગીરી વિના જ બીજો ભાગ બની રહ્યો હોવાનું ડાયરેક્ટર મોહન આઝાદની જાહેરાત પરથી જણાય છે. તબુએ તાજેતરમાં જ તેની હિટ ફિલ્મ ભૂલભૂલૈયા ટૂની સિક્વલ ભૂલભૂલૈયા થ્રી એમ કહીને નકારી દીધી હતી કે પોતાને એકસરખા રોલ કરવાનું પસંદ નથી.
ફિલ્મનું શૂટિંગ થોડા મહિનાઓ પછી શરુ કરવામાં આવશે.