શ્રીદેવીએ 'ઇંગ્લિશ-વિંગ્લિશ'માં પહેરેલી સાડીઓની લીલામી થશે
- ફિલ્મને દસ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે સર્જકોનો નિર્ણય
- લીલામીની આવક બાળકીઓનાં શિક્ષણ માટે કામ કરતી એનજીઓને દાન કરી દેવાશે
મુંબઈ : સ્વ. અભિનેત્રી શ્રીદેવીની બહુ વખણાયેલી ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'માં તેણે પહેરેલી તમામ સાડીઓની લીલામી કરવામાં આવશે. આ લીલામીની આવક બાળકીઓનાં શિક્ષણ માટે કામ કરતી એક એનજીઓને દાનમાં આપી દેવાશે.
આ ફિલ્મની રજૂઆતને દસ વર્ષ પૂર્ણ થયાં છે તે નિમિત્તે તેના સર્જકોએ આ નિર્ણય કર્યો છે.
ફિલ્મ મેકર ગૌરી શિંદેએ જણાવ્યું હતું કે પોતે આટલાં વર્ષો સુધી શ્રીદેવીએ પહેરેલી એ તમામ સાડીઓ બહુ જતનપૂર્વક સાચવી રાખી છે.
આ નિમિત્તે ફિલ્મનું એક સ્પેશ્યિલ સ્ક્રિનિંગ પણ યોજાશે.
૨૦૧૨માં રજૂ થયેલી 'ઇંગ્લિશ વિંગ્લિશ' શ્રીદેવીની કમબેક ફિલ્મ હતી. ૧૫ વર્ષ બાદ મોટા પડદા પર પુનરાગમન કરી આ ફિલ્મ દ્વારા તે છવાઈ ગઈ હતી. આ ફિલ્મને અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પણ એવોર્ડઝ મળ્યા હતા. સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી.
એ પછી તેની 'મોમ' ફિલ્મમાં પણ તેની એક આક્રમક માતા તરીકેની ભૂમિકાની પ્રશંસા થઈ હતી. તેની પાસેથી સેકન્ડ ઈનિંગમાં આવા વધુ દમદાર રોલની અપેક્ષા રાખવામાં આવતી હતી. જોકે કમનસીબે ફેબુ્રઆરી ૨૦૧૮માં તેનું અકાળે અવસાન થયું હતું. તેનો કેમિયો ધરાવતી 'ઝીરો' ફિલ્મ તેના અવસાન પછી રજૂ થઈ હતી.