કંગના રણૌતની 'ઈમરજન્સી' ફિલ્મની રીલીઝ લંબાઈ ગઈ
- જોકે, નવી તારીખની હાલ ઘોષણા નહીં
- આગામી મહિને રીલીઝ થવાની હતી, જોકે, મુલત્વી રહેવાનાં કારણ અંગે સ્પષ્ટતા નહીં
મુંબઇ : કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'ની રીલીઝ મુલત્વી રહી છે. આ ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલીઝ થવાની હતી. જોકે, હવે નવી તારીખ વિશે કોઈ એલાન થયું નથી.
કંગનાએ જાતે જ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે પોતે આ ફિલ્મની રીલીઝ હાલ ટાળી રહી છે. હવે ફિલ્મ આગામી ૨૦૨૪માં જ રીલીઝ થાય તેવી સંભાવના છે.
ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આગામી નવેમ્બરમાં જ સલમાન ખાનની 'ટાઈગર થ્રી' રીલીઝ થઈ રહી છે. એ પછી ડિસેમ્બરમાં 'ડંકી', 'સાલાર', 'સામ બહાદુર' સહિતની ફિલ્મો રીલીઝ થઈ રહી છે. આ ભરચક ભીડમાં કંગનાની 'ઈમરજન્સી' બોક્સ ઓફિસ પર ફસડાઈ પડે તેમ હતી.
છેલ્લા કેટલાંય વર્ષોથી કંગના કોઈ હિટ ફિલ્મ આપવામાં નિષ્ફળ રહી છે. તેની સાઉથમાં તાજેતરમાં રજૂ થયેલી 'ચંદ્રમુખ ટૂ' પણ ફલોપ થઈ હતી.
કંગનાને બોલીવૂડમાં હવે બહારનાં મોટાં પ્રોડક્શન હાઉસની ફિલ્મો મળવી મુશ્કેલ થઈ ગઈ છે. 'ઈમરજન્સી'નું પ્રોડક્શન તેણે જાતે કર્યું છે. દેશમાં ૧૯૭૫માં લદાયેલી ઈમરજન્સીના સમયની વાતો આ ફિલ્મમાં કહેવામાં આવી છે.