જાહ્વવીની સાઉથની પહેલી ફિલ્મની રીલીઝ અટકી
- આગામી એપ્રિલમાં રીલીઝ થવાની હતી
- જુનિયર એનટીઆર અને સૈફ અલી સહિતના સહકલાકારોઃ વીએફએક્સની કચાશ નડી ગઈ
મુંબઇ : જાહ્વવી કપૂરની સાઉથ ઈન્ડસ્ટ્રીની ડેબ્યૂ ફિલ્મ 'દેવરા'ની રીલીઝ મુલત્વી રહી છે. આ ફિલ્મ આગામી એપ્રિલમાં રીલીઝ થવાની હતી. હવે નવી તારીખની કોઈ જાહેરાત કરાઈ નથી .
ફિલ્મ કયાં કારણોસર અટકી છે તે અંગે સર્જકોએ કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ, ટ્રેડના સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મનું વીએફએક્સનું કામ જોયા બાદ સર્જકોને સંતોષ થયો ન હતો .તેમાં ઘણી કચાશ રહી ગઈ હોવાનું તેમને લાગ્યું હતું. હવે નવેસરથી વીએફએક્સ માટે પૂરતો સમય રહ્યો નથી. આથી રીલીઝ પાછી ઠેલવામાં આવી છે.
ફિલ્મમાં જાહ્વવીનો હિરો જૂનિયર એનટીઆર છે. આ ઉપરાંત સૈફ અલી ખાનની પણ તેમાં મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મના સેટ પર જ સૈફ અલીને ઈજા થયા બાદ તાજેતરમાં તેણે બાવડાંના સ્નાયૂની સર્જરી કરાવવી પડી છે.
બોલીવૂડની આ બીજી હિરોઈનની સાઉથની ફિલ્મની રીલીઝ પાછી ઠેલાઈ છે. અગાઉ દીપિકા પાદુકોણની પ્રભાસ સાથેની ફિલ્મ 'કલ્કી ૨૮૯૮ એડી' પણ પાછી ઠેલાઈ ચુકી છે.