એનિમલનું અનકટ વર્ઝન ઓટીટી પર રજૂ કરવાનો પ્લાન ફેલ
- કટ થઈ ગયેલાં દૃશ્યો ઉમેરાશે તેવો પ્રચાર હતો
- કોઈ વિવાદ ટાળવા માટે સેન્સર્ડ વર્ઝન જ રીલીઝ કરવા ઓટીટી પ્લેટફોર્મનો નિર્ણય
મુંબઈ : ટિકિટબારી પર સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ 'એનિમલ'નું અનકટ વર્ઝન ઓટીટી પર રજૂ કરવાનો પ્લાન નિષ્ફળ જાય તેવા સંજોગો છે. ઓટીટી પ્લેટફોર્મે કોઈ અન્સેન્સર્ડ દૃશ્યો બતાવવાનો ઈનકાર કરી દીધો હોવાનું કહેવાય છે.
ફિલ્મ સર્જક સંદિપ રેડ્ડી વાંગા દ્વારા એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મનું અનસેન્સર્ડ વર્ઝન ઓટીટી પર રજૂ થશે. સેન્સર બોર્ડ દ્વારા કાપી નાખવામાં આવેલાં કેટલાંક દૃશ્યો તથા સંવાદો ઓટીટી પર જોઈ શકાશે. તેના કારણે ઓટીટી પર ફિલ્મ વધારે લાંબી પણ હશે.
જોકે, આ ફિલ્મ માટે સોદો કરનાર આંતરરાષ્ટ્રીય ઓટીટી પ્લેટફોર્મે કોઈ વિવાદ ટાળવા માટે ભારતીય સેન્સર બોર્ડ દ્વારા જે વર્ઝન માન્ય કરાયું છે તે જ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે સંદિપ રેડ્ડી વાંગાને જણાવી દીધું છે કે તેઓ કોઈ અન્સેન્સર્ડ દૃશ્યો કે સંવાદો દર્શાવી શકાશે નહીં. થિયેટર વર્ઝનમાં ફિલ્મના સાઉન્ડ મિક્સિંગમાં કેટલાક ઈશ્યૂ રહી ગયા હતા હતા તે દુરસ્ત કરવાની જોકે, મંજૂરી આપવામાં આવી છે. સંદિપ રેડ્ડી વાંગાએ જાતે કબૂલ્યું છે કે ફિલ્મ રીલીઝ કરવાની ડેટ નજીક આવી ગઈ હતી તેના કારણે ઉતાવળને લીધે ફિલ્મના સાઉન્ડ મિક્સિંગમાં કેટલીક ટેકનિકલ ખામીઓ રહી ગઈ છે. તે હવે ઓટીટી રીલીઝમાં સુધારી દેવાશે.