ઈન્ડિયન-ટુ માટે આપેલા પૈસા ઓટીટી પ્લેટફોર્મે પાછા માગ્યા
- બોક્સ ઓફિસ પર ખર્ચો પણ ન નીકળ્યો
- 120 કરોડમાં ડીલ થઈ હતી પણ ફિલ્મ ફલોપ જતાં આ ભાવ આપવાની ના પાડી દીધી
મુંબઇ : કમલ હાસનની લેટેસ્ટ રિલીઝ 'ઇન્ડિયન ટૂ'બોક્સ ઓફિસ પર ઝાઝું ઉકાળી શકી નથી. ડાયરેકટર શંકર અને કમલ હાસનની જોડી પાસેથી દર્શકોને જે આશા હતી તે ઠગારી નીવડી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા પણ આ ફિલ્મ માટે અગાઉ થયેલી ડીલના પૈસા પાછા માગવામાં આવ્યા છે. આ વિવાદને લીધે ફિલ્મની ઓટીટી રીલિઝમાં વિલંબ થઈ શકે છે. ' ઇન્ડિયન ટૂ' ુનું નિર્માણ રૂપિયા ૨૫૦ કરોડમાં કરવામાં આવ્યું હતું. પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું ગ્રોસ કલેકશન ફક્ત ૧૪૬. ૪૮ કરોડ રૂપિયા જ રહ્યું હતું.કમલ હાસન જેવા કલાકારની ફિલ્મ અને શંકર જેવા દિગ્દર્શક હોવાથી તથા આ ફિલ્મનો પહેલો ભાગ ભારતભરમાં સુપરહિટ થઈ ચૂક્યો હોવાથી એક ઓટીટી પ્લેટફોર્મ દ્વારા અગાઉ જ આ ફિલ્મ માટે ૧૨૦ કરોડનો સોદો થયો હતો.
આ રકમ પણ નિર્માતોને આપી દેવાઈ હતી. જોકે, ફિલ્મ ફલોપ જતાં ઓટીટી પ્લેટફોર્મે હવે વધારાના પૈસા પાછા માગ્યા છે. તેણે ચિમકી આપી છે કે પ્રોડયૂસરો આ સોદામાં ભાવતાલ કરી રકમ ઘટાડી વધારાની રકમ પાછી નહીં આપે તો આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ નહિ કરવામાં આવે.