ફિલ્મ લગાનની આ અભિનેત્રીનું 22 વર્ષ બાદ ભારતીય સિનેમામાં કમબેક, વેબ સિરીઝમાં જોવા મળશે
Image Source: Facebook
મુંબઈ, તા. 07 જુલાઈ 2023 શુક્રવાર
આમિર ખાનની ફિલ્મ લગાનમાં એલિઝાબેથનું પાત્ર નિભાવનાર રેચલ શૈલીએ સૌને પોતાની એક્ટિંગના દિવાના બનાવી દીધા હતા. રેચલની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં એલિઝાબેથે ગામના લોકોને ક્રિકેટ શીખવાડી હતી અને આ દરમિયાન તે આમિર ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. લગાન બાદ રેચલ કોઈ બોલીવુડ ફિલ્મમાં જોવા મળી નથી. હવે 22 વર્ષ બાદ તે ભારતીય સિનેમામાં વાપસી કરવા જઈ રહી છે. તે વેબ સિરીઝમાં જોવા મળશે.
બ્રિટિશ ઓફિસરની બહેનનું પાત્ર નિભાવ્યા બાદ રેચલ ઈન્ડિયન પ્રોડક્શનમાં કમબેક કરી રહી છે. તે નેટફ્લિક્સ પર આવનારી વેબ સિરીઝ કોહરામાં જોવા મળશે. તે આ સિરીઝમાં લીડનું પાત્ર નિભાવતી જોવા મળશે. કોહરામાં રેચલની સાથે બરુણ સોબતી, સુવિંદર વિક્કી, વરુણ બઢોલા અને હરલીન સેઠી પણ જોવા મળશે.
આ છે કહાની
કોહરા એક ઈન્વેસ્ટિગેટિવ ડ્રામા છે. જેમાં એક NRIનું લગ્નના એક દિવસ પહેલા જ મોત થઈ જાય છે. રેચલને ફિલ્મમાં કાસ્ટ કરવા અંગે ક્રિએટર સુદીપ શર્માએ જણાવ્યુ કે રેચલની કાસ્ટિંગ એટલા માટે કરવામાં આવી હતી કેમ કે તેઓ કોઈ એવા વ્હાઈટ એક્ટરને કાસ્ટ કરવા નહોતા માંગતા જે મુંબઈમાં કામ કરતા હોય. રેચલને કાસ્ટ કરવાનું એક કારણ એ પણ હતુ કે તેમણે લગાનમાં કામ કર્યુ હતુ અને તેમને ખબર હતી કે અહીં કેવી રીતે કામ કરવામાં આવે છે. રેચલના કામના વખાણ કરતા સુદીપ શર્માએ કહ્યું, કે તે એક શાનદાર એક્ટર છે અને તેમની કાસ્ટિંગ એકદમ ફિટ છે.