Get The App

'પિતાએ જન્મ પછી કાનમાં સૌપ્રથમ પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવ્યો હતો'

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
'પિતાએ જન્મ પછી કાનમાં સૌપ્રથમ પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવ્યો હતો' 1 - image


- ઝાકિર હુસૈને તેમના જન્મનો કિસ્સો સંભળાવતા કહેલું : મારા પિતા માટે તબલાનો તાલ જ પ્રાર્થના હતી

ઉસ્તાદ ઝાકિર હુસૈન ભારતમાં જ નહીં, દુનિયાભરમાં બેહદ પોપ્યુલર હતા. તેમના જેવો બીજો તબલાવાદક દુનિયાએ જોયો નથી. તેઓ એ અર્થમાં એકમેવ હતા. તેમને તબલા વાદનનો વારસો પિતા ઉસ્તાદ અલ્લારક્ખા કુરૈશી પાસેથી મળ્યો હતો. તેમણે બાળપણથી જ તબલા વાદન શીખવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેમને સંગીત અને તબલા વાદનના સંસ્કાર જન્મતાની સાથે જ મળ્યા હતા. તે અંગેનો એક કિસ્સો સંભળાવતા ખુદ ઝાકિર હુસૈને એક વખત કહ્યું હતું : 'મારો જન્મ થયો પછી મારી માતાએ મને પહેલી વખત મારા પિતાના ખોળામાં મૂક્યો.

 અમારામાં એક પરંપરા હતી કે બાળકનો જન્મ થાય ત્યારે પિતા કંઈક પ્રાર્થના બોલીને પહેલો શબ્દ બાળકના કાનમાં કહેતા. મારા પિતાએ મારા કાનમાં પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવતા કહેલું : ધા ગી તી તે ના ગી ધી તે.. એ સાંભળીને મારી માતાએ પિતાને કહ્યું, તમે આ શું કરો છો? બાળકના કાનમાં કંઈક પ્રાર્થના કહો. એના જવાબમાં મારા પિતાએ કહ્યું કે મારા માટે તો આ જ પ્રાર્થના છે... હું આ રીતે જ પ્રાર્થના કરું છું.'

'પિતા મુસ્લિમ હોવા છતાં મા સરસ્વતી અને ગણપતિના આરાધક હતા'

ઝાકિર હુસૈને એક વખત કહેલું: 'જન્મથી અને ધર્મથી મારા પિતા મુસ્લિમ હતા, પરંતુ સંગીતની પરંપરામાં તેઓ મા સરસ્વતી અને ગણપતિની આરાધના કરતા. મારા ઘરની આ પરંપરા હતી. અમે સંગીતની આરાધના આ રીતે કરતા.  મારા પિતા સંગીતની દેવી મા સરસ્વતીને કાયમ આદર આપતા અને ગણપતિ પણ સંગીતના ગુણો માટે પૂજાય છે એટલે અમે તેમનું સ્મરણ કરીને પ્રસ્તૃતિ કરતા. આ ભારતીય પરંપરા છે, જેનું અમે સન્માન કરીએ છીએ.'

ઝાકિર હુસૈને શિવકુમારને લાગણીસભર અંતિમ વિદાય આપી હતી

શિવકુમાર શર્મા અને ઝાકિર હુસૈને સાથે ખૂબ કામ કર્યું. બંને વચ્ચે ટયૂનિંગ પણ એટલું અદ્ભુત હતું. તેમની જુગલબંદી ચાહકોમાં કાયમ યાદ રહેશે. શિવકુમાર શર્મા અને ઝાકિર હુસૈને લગભગ છ દશકા સુધી સાથે સંગીતની પ્રસ્તૃતિ કરી હતી. શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં થયેલો અને ઝાકિર હુસૈનના પિતા પણ મૂળ કાશ્મીરના હતા.  કાશ્મીરનું કોમન ફેક્ટર બંને વચ્ચે એક ભાવનાત્મક જોડાણ કરવામાં કારણભૂત હશે. શિવકુમાર શર્માનું ૨૦૨૨માં નિધન થયું ત્યારે ઝાકિર હુસૈને તેમની ચિતા પાસે મૌન ઉભા રહીને તેમને લાગણીસભર અંતિમ વિદાય આપી હતી.

ભારતીય ક્લાસિકલ ઉપરાંત ફ્યુઝનમાં પણ ઉમદા કાર્ય

ભારતીય ક્લાસિકલ સંગીત તો તેમના લોહીમાં હતું અને છેક સુધી તેઓ એમાં મહામૂલું પ્રદાન કરતા રહ્યા, પરંતુ તે સાથે બોલિવૂડમાં પણ તેમણે સંગીત આપ્યું અને ફ્યુઝન મ્યુઝિકમાં પણ ઘણું કામ કર્યું. ઈન્ટરનેશનલ મ્યુઝિકમાં તેમનું પ્રદાન અવિસ્મરણીય છે. તેમણે વિદેશના જાણીતા આર્ટિસ્ટ સાથે મળીને કેટલાય ગ્લોબલ મ્યુઝિક પ્રોજેક્ટ્સ અને આલ્બમ્સ કર્યા છે. ૧૯૭૩માં જ્યોર્જ હેરિસનના આલ્બમ લિવિંગ ઈન ધ મટિરિયલ વર્લ્ડમાં ઝાકિર હુસૈને તબલા વગાડયા હતા. તે વખતે એમને ખૂબ પ્રશંસા મળી હતી. જ્હોન હાર્ડીના હાર્ડ વર્ક આલ્બમમાં પણ તેમના તબલાએ દુનિયાભરના ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. 

શક્તિ બેન્ડની સ્થાપના કરીને ફ્યુઝન સંગીતમાં લાંબો સમય કાર્યરત રહ્યા

૧૯૭૩માં બ્રિટિશ ગિટારિસ્ટ જ્હોન મેકલાફલિન, ઝાકિર હુસૈન, શંકર લક્ષ્મીનારાયણ, ટીએસ વિક્કુએ મળીને શક્તિ બેન્ડની શરૂઆત કરી હતી. આ બેન્ડ જેઝ કેટેગરીનું બેન્ડ છે અને ઈન્ડિયન ફ્યુઝનમાં જગ વિખ્યાત છે. આ બેન્ડને આ વર્ષે પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન, ગણેશ રાજાગોપાલન, વી. સેલ્વાગણેશ, રામનાદ રાઘવમ જેવા કલાકારો સક્રિય છે.

ઝાકિર હુસૈન પંકજ ઉધાસને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા

આ વર્ષે ફેબુ્રઆરીમાં વિખ્યાત ગાયક પંકજ ઉધાસનું અવસાન થયું ત્યારે ઝાકિર હુસૈન તેમને અંતિમ વિદાય આપવા મુંબઈમાં પંકજ ઉધાસના ઘરે આવ્યા હતા. ઝાકિર હુસૈનના ભાઈ તૌફિક હુસૈન એ વખતે તેમની સાથે હતા. ત્યારે તેમણે કહેલું કે પંકજભાઈએ સંગીતથી જે આનંદ આપ્યો હતો એનો કોઈ જવાબ નથી. અમારો પરિવાર પંકજભાઈને ખુબ પ્રેમ કરતો હતો.

'પિતાએ જન્મ પછી કાનમાં સૌપ્રથમ પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવ્યો હતો' 2 - image

ત્રણ વર્ષની વયથી તબલા વાદનની તાલીમ

ઝાકિર ત્રણ વર્ષના હતા ત્યારથી જ તેમના પિતાએ તેમને તબલા વાદનની તાલીમ શરૂ કરાવી હતી. તેમના પિતા ઉસ્તાદ અલ્લારક્ખા કુરેશી વિખ્યાત તબલા વાદક હતા એટલે તેમણે પિતાની સાથે ગુરુ બનીને ઝાકિરને તબલા વાદન શીખવ્યું હતું. 

સેન્ટ માઈકલ્સ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથોસાથે તેમણે તબલાની તાલીમ પણ શરૂ રાખી હતી. વર્ષો સુધી સંગીતની સાધના કરી હતી અને એની સાથે સેન્ટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએટ પણ થયા હતા. ૧૨ વર્ષની વયથી જ મંચ પર પિતાની સાથે તબલા વગાડતા હતા. ભારતમાં શિક્ષણ પૂરું કર્યું પછી વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં વિશ્વના સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં સંગીત એ વિષયમાં વધુ અભ્યાસ કર્યો અને તેનાથી તેઓ ગ્લોબલ સંગીતકાર તરીકે વધુ પ્રસ્થાપિત થયા.

'પિતાએ જન્મ પછી કાનમાં સૌપ્રથમ પ્રાર્થનાને બદલે તબલાનો તાલ સંભળાવ્યો હતો' 3 - image

ઝાકિર- એન્ટિનિયાની લવસ્ટોરી

ઝાકિર હુસૈને જ ઘણી વખત પોતાની લવસ્ટોરીના કિસ્સા સંભળ્યા હતા. અમેરિકામાં તેઓ મ્યુઝિકનું સ્ટડી કરતા હતા ત્યારે ઈટાલિયન મૂળના અમેરિકન એન્ટિનિયા મિનેકોલાના પ્રેમમાં પડયા હતા. રસપ્રદ બાબત એ હતી કે એન્ટિનિયા મિનેકોલા કથક શીખતા હતા. 

બંને પ્રેમમાં પડયા પરંતુ તેમના પરિવારને શરૂઆતમાં એન્ટિનિયા સાથેના સંબંધનો વિરોધ હતો. ખાસ તો માતા આ સંબંધથી નાખુશ હતાં એટલે બંનેએ સિક્રેટ લગ્ન કર્યા હતા. લગભગ આઠેક વર્ષના રિલેશનશિપ બાદ આખરે પરિવાર માન્યો ને વિધિ-વિધાન સાથે ધામધૂમથી લગ્ન થયા હતા.

ઝાકિર હુસૈન

જન્મ : ૯ માર્ચ, ૧૯૫૧, મુંબઈ

અવસાન : ૧૬ ડિસેમ્બર, ૨૦૨૪, કેલિફોર્નિયા

દેશના પુરસ્કારો : પદ્મશ્રી (૧૯૮૮), પદ્મભૂષણ (૨૦૦૨), પદ્મવિભૂષણ (૨૦૨૩), સંગીત નાટક અકાદમી એવોર્ડ (૧૯૯૦), સંગીત નાટક એકેડમી રત્ન (૨૦૧૯)

વિદેશી પુરસ્કારો : પ્લેનેટ ડ્રમ માટે ૧૯૯૨માં સૌપ્રથમ ગ્રેમી એવોર્ડ, કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક આલ્બમ માટે ૨૦૦૯માં ગ્રેમી એવોર્ડ, ૨૦૧૭માં સાન ફ્રાન્સિસ્કો જેઝ સેન્ટર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ૨૦૨૪માં સ્પેશિયલ ગ્રેમી એવોર્ડ આપીને તેમને સન્માનિત કરાયા હતા. તેઓ સાત વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયેલા એમાંથી કુલ ચાર એવોર્ડ મળ્યા હતા.

પરિવાર :

પિતા : અલ્લારક્ખા કુરેશી

માતા : બીવી બેગમ

પત્ની : એન્ટિનિયા મિનેકોલા

સંતાનો : અનિશા કુરેશી, ઈસાબેલ કુરેશી.

ભાઈ-બહેનો : બે ભાઈઓ તૌફિક કુરેશી અને ફઝલ કુરેશી પણ તબલા વાદક છે. મુન્નવર નામના ભાઈનું નાની વયે મૃત્યુ થયું હતું. ઝાકિરથી મોટા બહેનનું પણ નાની વયે અવસાન પામ્યાં હતાં. રઝિયા નામના બહેનનું ૨૦૦૦ના વર્ષમાં સર્જરી બાદ નિધન થયું હતું. ખુર્શીદ નામના બહેન હયાત છે.

ઝાકિર હુસૈનનું નિધન સંગીત જગત માટે મોટી ખોટ છે. તેઓ તેમની અસાધારણ સર્જનાત્મકતા અને સંશોધનાત્મકતા માટે જાણીતા હતા. તેમણે વિશ્વભરના સંગીતપ્રેમીઓની પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી હતી. તેઓ ભારત અને પશ્ચિમી સંગીતની પરંપરાઓ વચ્ચેનો સેતુ હતા. 

- દ્રોપદી મૂર્મુ, રાષ્ટ્રપતિ 

'ઉસ્તાદ ઝાકિર હુસૈનને ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ કરનાર પ્રતિભા તરીકે યાદ કરવામાં આવશે.  તેઓ તબલાને વૈશ્વિક મંચ પર લાવ્યા અને લાખો લોકોને તેમના અપ્રતિમ તાલથી મંત્રમુગ્ધ કર્યા. ગ્લોબલ મ્યુઝિક સાથે ભારતીય શાસ્ત્રીય પરંપરાઓને એકીકૃત કરીને તેઓ સાંસ્કૃતિક એકતાના પ્રતિક બન્યા હતા.' 

- નરેન્દ્ર મોદી, વડાપ્રધાન 

'મહાન તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું જવું સંગીત જગત માટે મોટી ક્ષતિ છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. તેઓ પોતાની કલાનો વારસો છોડીને ગયા છે, જે હંમેશા આપણી યાદોમાં જીવિત રહેશે.' 

- રાહુલ ગાંધી , વિપક્ષના નેતા

કિંગ કે જેના હાથમાં રિધમ જાદુ બની ગઈ હતી. તે આપણને છોડીને ગયા છે. મારા પ્રિય, ઝાકિરને શ્રદ્ધાંજલિ. આપણે ફરી મળીશું.

- જ્હોન મેકલોફ્લિન, જાઝ ગિટારિસ્ટ 

ઝાકીરભાઈ એક પ્રેરણાસ્ત્રોત હતા. એક જબરદસ્ત વ્યક્તિત્વ હતા જેમણે તબલાને વૈશ્વિક સ્તરે પહોચાડયા હતા. તેમની સાથે દાયકાઓ પહેલાની જેમ મ્યુઝિક ન બનાવી શકવાનો મને રંજ છે.

- એ.આર. રહેમાન, સંગીતકાર 

ઉસ્તાદ ઝાકિર હુસૈન ભારતના અત્યાર સુધીના સૌથી મહાન સંગીતકારો અને વ્યક્તિત્વોમાંના એક હતા. સર્વશ્રેષ્ઠ હોવાની સાથે ઝાકિરજી અપાર નમ્રતા અને સુલભ સ્વભાવ માટે જાણીતા હતા. તેમણે અસંખ્ય સંગીતકારોની કારકિર્દી બનાવી હતી. તેમનો વારસો હંમેશા જીવંત રહેશે.

 - રીકી કેજ, ગ્રેમી એવોર્ડ વિજેતા  


Google NewsGoogle News