સાઉથની ફિલ્મ Devaraથી જ્હાનવી કપૂરનો ફર્સ્ટ લુક રિલીઝ, અલગ અંદાજમાં નજર આવી એક્ટ્રેસ
Image Source: Facebook
મુંબઈ, તા. 02 નવેમ્બર 2023 ગુરૂવાર
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગ્લેમરસ તસવીરોથી છવાઈ રહેતી જ્હાનવી કપૂરનો નવો લુક ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સાઉથમાં જ્હાનવીની ડેબ્યૂ ફિલ્મ દેવરાની પહેલી તસવીર તેની બોલીવુડ ઈમેજ કરતા સાવ અલગ છે. જ્હાનવી કપૂરે જૂનિયર એનટીઆરની સાથે પોતાની પહેલી તેલુગુ ફિલ્મ દેવરામાં ગામડાની યુવતીની ભૂમિકા નિભાવી છે. પોતે જ્હાનવીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી અને જણાવ્યુ કે ફિલ્મમાં તેમના પાત્રનું નામ થંગમ છે. ગ્રામીણ અંદાજમાં સાડી પહેરેલી જ્હાનવી આ તસવીરમાં હસી રહી છે. આ લુકને લઈને ચાહકોમાં ઉત્સુકતા પેદા થઈ ગઈ છે.
મેકઓવર
શ્રીદેવીની પુત્રી જ્હાનવી બોલીવુડ ફિલ્મો અને સોશિયલ મીડિયામાં ગ્લેમરસ અને અલ્ટ્રા મોર્ડન લુક માટે જાણીતી છે પરંતુ આમાં સામાન્ય વસ્ત્રમાં તે સૌનું ધ્યાન ખેંચી રહી છે અને તેનુ મેકઓવર લોકોમાં ઉત્સુકતા જગાડી રહ્યુ છે. સૂત્રો અનુસાર દેવરા ગ્રામીણ એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં જ્હાનવી કપૂર એનટીઆરની પ્રેમિકાની ભૂમિકામાં છે.
આનાથી મળશે મદદ
દેવરાની તસવીર ગોવામાં ફિલ્મના સેટ પરથી લેવામાં આવી હતી. ફિલ્મનું નિર્દેશન કોરાતાલા શિવા કરી રહ્યા છે. રોચક વાત એ છે કે ફિલ્મમાં જ્હાનવીના પાત્રના નામનું કનેક્શન શ્રીદેવી સાથે છે. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે શ્રીદેવીની ફિલ્મ એન અન્નાનમાં તેમના પાત્રનું નામ થંગમ હતુ. ત્યાંથી જ્હાનવી માટે આ નામ લેવામાં આવ્યુ છે. જાણકારો અનુસાર ગામની યુવતીના રૂપમાં જ્હાનવીનો આ રોલ તેમને સાઉથમાં પગ જમાવવામાં ખૂબ મદદ કરશે. તેના પહેલા રંગસ્થલમમાં રામલક્ષ્મી તરીકે સામંથા રુથ પ્રભુ અને પુષ્પામાં શ્રીવલ્લી તરીકે રશ્મિકા મંદાનાએ ગામની યુવતીની ભૂમિકા નિભાવી હતી.