સતત ગુસ્સે રહેતી તાપસી પન્નુને નવી જયા બચ્ચનની ઉપમા મળી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
સતત ગુસ્સે રહેતી તાપસી પન્નુને નવી જયા બચ્ચનની ઉપમા મળી 1 - image


- હટો અહીંથી કહી  ફોટોગ્રાફર્સને ખખડાવી નાખ્યા

- નેટ યૂઝર્સની ટીકા, તાપસી કોઈ મોટી સ્ટાર નથી છતાં પણ તેને કઈ વાતની આટલી તુમાખી છે

મુંબઈ: તાપસી પન્નુને નવી જયા બચ્ચનની ઉપમા મળી ગઈ છે. તે તાજેતરમાં ફરીએકવાર ફોટોગ્રાફર્સ સાથે બહુ તોછડાઈથી વર્તતી હોવાનો વીડિયો બહાર આવતાં નેટયૂઝૂર્સ દ્વારા તેની ભારે ટીકા થઈ રહી છે. 

તાપસી કેટલાક ફ્રેન્ડઝ સાથે ડીનર પર ગઈ હતી. તે વખતે ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળ્યા હતા. સસ્મિત પોઝ આપીને નીકળી જવાને બદલે તાપસી ફોટોગ્રાફર્સને જોઈને ભારે  ગુસ્સે થઈ ગઈ હતી અને તેમને હટો અહીંથી કહીને ખખડાવી નાખ્યા હતા. ગુસ્સાથી લાલચોળ તાપસીએ તેમને એવું પણ કહ્યું હતું કે આ તો હું હજુ પણ બહુ હળવાશથી કહું છું. નહીં તો તમે લોકો જ કહેશો કે મેં તમને ધક્કા માર્યા છે. 

તાપસીના આ ગેરવર્તાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોએ તેના પર ટીકાની ઝડી વરસાવી હતી. સામાન્ય રીતે જયા બચ્ચન આ રીતે પાપારાઝી ફોટોગ્રાફર્સ સાથે ઝઘડતી જોવા મળતી હોય છે. તાપસી પણ એકથી વધુ વાર ફોટોગ્રાફર્સને ધમકાવી ચૂકી છે. આથી, લોકોએ તેને નવી જયા બચ્ચનનું બિરુદ આપી દીધું હતું. 

સંખ્યાબંધ લોકોએ એવી કોમેન્ટ કરી હતી કે તાપસી કોઈ એવી મોટી સકસેસફૂલ સ્ટાર નથી કે તેના નામે ફિલ્મ ચાલી જાય. હજુ સુધી ઈન્ડસ્ટ્રીમાં તેણે એવા કોઈ બહુ યાદગાર રોલ પણ કર્યા નથી. અન્ય સેલિબ્રિટી સ્ટાર બે ઘડી પાપારાઝી સમક્ષ હસતા મુખે ઊભા રહે છે અને જો ક્યારેક ફોટો ન પડાવવો હોય તો ચહેરો ઢાંકીને પણ જતા રહે છે. ત્યારે તાપસીને કઈ વાતનું આટલું ઘમંડ છે તે એક સવાલ છે. 


Google NewsGoogle News