બડે મિયાંના ડાયરેક્ટરે સાડા સાત કરોડ લેવાના બાકી
- બાકી પેમેન્ટ અપાવવા ફિલ્મ સંગઠનો મેદાને
- અક્ષય-ટાઈગરની ફિલ્મ મહાફલોપ જતાં અનેક કલાકારોના પણ પૈસા અટવાયા છે
મુંબઈ: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મેગા બજેટ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ના પ્રોડયૂસર વાસુ ભગનાનીએ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને સાડા સાત કરોડ રુપિયા ચૂકવવાના બાકી હોવાનું બહાર આવ્યું છે.
આશરે ૩૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ટિકિટબારી પર પહેલા જ દિવસથી ફસડાઈ પડી હતી અને સદંતર ફલોપ થઈ હતી. તેના કારણે નિર્માતા વાસુ ભગનાનીએ પોતાની આલીશાન ઓફિસ વેચી દેવી પડી હતી. ફિલ્મના અક્ષય કુમાર સહિતના કલાકારોનું પેમેન્ટ પણ બાકી હોવાનું કહેવાય છે.
આ દરમિયાન અલી અબ્બાસ ઝફરે પોતાની દિગ્દર્શન ફીના સાડા સાત કરોડના બાકી પેમેન્ટ માટે દિગ્દર્શક એસોસિએશનમાં ધા નાખ્યા બાદ આ મામલો સિને કલાકારો અને કસબીઓનાં ફેડરેશનમાં પહોંચ્યો છે. જોકે, અલી અબ્બાસ ઝફર આ મુદ્દે કશું જાહેરમાં બોલવા તૈયાર નથી કારણ કે બહુ વિવાદ થાય તો તેને પોતાના પૈસા ફસાઈ જાય તેવો ડર છે. બીજી તરફ વાસુ ભગનાનીએ અલી અબ્બાસ ઝફર ખોટી રીતે ઉઘરાણી કરી રહ્યો હોવાનો દાવો કર્યો છે.
આ જ પ્રોડક્શન હાઉસની 'ગણપત' તથા 'મિશન રાણીગંજ' સહિતની ફિલ્મોના કેટલાક કલાકાર કસબીઓને પણ પૈસા નહિ મળ્યા હોવાનું કહેવાય છે.
આ પ્રોડ્ક્શન હાઉસમાંથી કેટલાય સ્ટાફના પગાર પણ બાકી હોવાના આરોપો અગાઉ થાય હતા અને તેમાંથી મોટાપાયે સ્ટાફની છટણી પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.