હૈદરાબાદ: સોનુ સૂદના નામે લોન્ચ કરવામાં આવી દેશની સૌથી મોટી થાળી
મુંબઈ, તા. 20 ફેબ્રુઆરી 2023 સોમવાર
સાઉથની લઈને બોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચૂકેલા સોનુ સૂદને લોકો ખૂબ પસંદ કરે છે. તેમની દરિયાદિલી સૌ કોઈ જાણે છે. એક્ટરની આ દરિયાદિલીના કારણે તેઓ હંમેશાથી જ ચર્ચામાં રહે છે. સમગ્ર દેશમાં લોકો સોનુ સૂદનું ખૂબ સન્માન કરે છે. સોનુ સૂદે કોરોના કાળમાં સોશિયલ મીડિયાથી લઈને પોતાના ઘર સુધી જે પણ જરૂરિયાતમંદ આવ્યા, દરેકની મદદ કરવા માટે એક્ટર મસીહા બનીને આગળ આવ્યા. આજે પણ એક્ટર સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર દુનિયાના લોકો સાથે જોડાતા રહે છે. હવે એક્ટરના નામથી દેશની સૌથી મોટી થાળી લોન્ચ કરવામાં આવી છે.
આ થાળી કોઈ સામાન્ય થાળી લાગી રહી નથી. આ ખૂબ વિશાળ છે. આ વિશાળ થાળીમાં કુલ 20 લોકો એક સાથે બેસીને જમી શકે છે. સોનુ સૂદને આ અનોખુ સન્માન હૈદરાબાદના જિસમત જેલમંડીએ આપ્યુ છે. સોનુ સૂદના નામે 'ઈન્ડિયાઝ બિગેસ્ટ પ્લેટ' નું નામ રાખવામાં આવ્યુ છે.
હોટલના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલે સોનુ સૂદના સન્માનમાં લખ્યુ, સર.. તમારુ દિલ સૌથી મોટુ છે. અમને આ થાળી માટે તમારા કરતા સારુ નામ મળી શકશે નહીં. હૈદરાબાદમાં આવવા માટે તમારો ખૂબ આભાર, અમને સૌ ને ખૂબ ખુશી થઈ કે તમે અહીં અમારી વચ્ચે આવ્યા.
આ થાળી દ્વારા એક્ટર પ્રત્યે આ સન્માન જોઈને એક્ટરના ચાહકો ખુશ થઈ ગયા છે અને આ ફોટા પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન સોનુ સૂદ મુંબઈ અને ભારતના અન્ય શહેરોમાં ફસાયેલા પ્રવાસીઓ માટે આશાનું કિરણ બન્યા હતા. તેમની જ મદદથી લાખો લોકો સુરક્ષિત પોતાના ગામડે પહોંચવામાં સફળ રહ્યા. 2021માં પણ સોનુ સૂદ અને તેમની ટીમે મુંબઈમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી.
મુશ્કેલીના સમયે સોનુ સૂદ સિવાય તેમના સમગ્ર પરિવારે ઘરની બહાર આવેલા લોકોને નાણાકીય અને મેડીકલ હેલ્પ કરી હતી. તાજેતરમાં સોનુ સૂદે વીડિયોકોલ પર સૌને મદદ કરવાનુ વચન પણ આપ્યુ.
ઉલ્લેખનીય છે કે એક્ટર ટૂંક સમયમાં એક્શન થ્રિલર 'ફતેહ' માં જોવા મળશે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે.